
દેડીયાપાડા પોસ્ટ ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/02/2026 – નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતોને રોકવા તથા માર્ગ સલામતી મજબૂત બનાવવા હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ગામીત અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મિશ્રા તેમજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના સાઇટ એન્જિનિયર પરેશભાઇ સોલંકી તથા સ્ટેટ હાઇવે (SH)ના મદદનીશ ઇજનેર રાહુલભાઇ ભદાણેએ જિલ્લાના વિવિધ બ્લેક સ્પોટ તથા સંભવિત અકસ્માતવાડી જગ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં વડીયા જકાતનાકા ચારરસ્તા, નાના લીમટવાડા, ખામર, બોરિન્દ્રા, મકાઈ ધોધ, પણગામ, કણબીપીઠા, દુધલીવેર, નીંઘટ રામેશ્વર હોટેલ પાસે તથા અમીયાર ગામ જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં હતાં.
આ નિરીક્ષણ દરમિયાન અકસ્માત નિવારણ માટે જરૂરી કેટ આઈ, સાઇન બોર્ડ, હાઇ માસ્ક લાઇટ, ક્રોસ બેરિયર, થર્મોપ્લાસ્ટિક પટ્ટા, રબ્બર સ્ટ્રીપ બંપ, યેલો બોક્ષ તથા બ્રિંકર લાઇટ જેવી વ્યવસ્થાઓ તાત્કાલિક સ્થાપિત કરવા તથા રોડ એન્જિનિયરિંગમાં સુધારા માટે અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી ફેટલ અકસ્માતો જેવા ગંભીર બનાવો અટકાવી શકાય અને માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવામાં સહાય મળે.
ત્યારબાદ દેડીયાપાડા પોસ્ટ ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સમજ આપવામાં આવી હતી. નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતાની અમૂલ્ય જીંદગી સુરક્ષિત રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ રહી કાર્યરત છે.




