
કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં આવેલી શ્રી ગોદાવરીબાઈ સરકારી કન્યા શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે સ્કૂલબેગ તથા અભ્યાસ માટેની જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી કાર્યક્રમમાં ભોલેનાથ જ્વેલર્સના યશભાઈ જોરા તથા કેશોદ પોલીસ ના પી.એસ.આઇ એમ.ડી.મકવાણા સાહેબ તથા જે.કે.સિસોદિયા સાહેબ તથા બાલા બજરંગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને ગિફ્ટ અર્પણ કરી તેમને અભ્યાસ માટે ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા બાળકોને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નિયમિત અભ્યાસ અને શિસ્તબદ્ધ જીવન દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મળેલી સ્કૂલબેગ અને અભ્યાસ કીટથી બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના શિક્ષકવર્ગ અને સંચાલન દ્વારા પી.એસ.આઇ એમ.ડી.મકવાણા સાહેબ, પોલીસ સ્ટાફ જગદીશભાઈ સિસોદિયા, ભોલેનાથ જ્વેલર્સના યશભાઈ જોરા તથા બાલા બજરંગ ગ્રુપનો આ સેવાભાવી કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવાં સામાજિક ઉપક્રમો શિક્ષણક્ષેત્રે ખૂબ ઉપયોગી સાબિત થાય છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમથી સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે તેમજ શિક્ષણ પ્રત્યેની તેમની રુચિ વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





