ટીમ્બાગામની પી.એમ. પટેલ શાળામાં સેવક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાયન્સ કીટનું વિતરણ

ગોધરા, પંચમહાલ:
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા ટીમ્બાગામ સ્થિત શ્રી પી.એમ. પટેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મુંબઈ સ્થિત સેવાભાવી સંસ્થા સેવક ટ્રસ્ટ દ્વારા સાયન્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધારવા અને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સેવક ટ્રસ્ટના પ્રતિનિધિઓ કૌશિકભાઈ શાહ, ભરતભાઈ લીંબચીયા અને જિતેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોને આ સાયન્સ કીટ ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે તેનાથી તેઓ વિજ્ઞાનના સિદ્ધાંતોને વધુ સારી રીતે સમજી શકશે.
શાળાના આચાર્ય ડી.કે. પટેલ, પ્રમુખ પ્રફુલભાઈ પટેલ અને ગુજરાત ભાજપના કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ દ્વારા સેવક ટ્રસ્ટના આ ઉમદા સેવાકીય કાર્ય બદલ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ ટ્રસ્ટનો સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રકારના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ બની રહ્યા છે.





