અમદાવાદ સિવિલમાં ‘જલ હૈ તો કલ હૈ’ અને ‘અંગદાન–મહાદાન’ ના સંદેશ સાથે નર્સીસને છત્રીઓનું વિતરણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘ધ ટ્રેઈન્ડ નર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (TNAI) ગુજરાત બ્રાંચ દ્વારા લોકોમાં જળસંચય અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય દ્વારા પ્રેરિત અભિયાન ‘જલ હૈ તો કલ હૈ – કેચ ધ રેઈન’ તેમજ ‘અંગદાન – મહાદાન’ના સંદેશ સાથે હોસ્પિટલના હેડ નર્સ, નર્સિંગ સ્ટાફ, ઓપરેશન થિયેટરના સફાઈ કામદારો અને જાગૃતિ અભિયાનમાં સહભાગી રહેલા કર્મચારીઓને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. છત્રીઓ પર જળસંચય અને અંગદાન અંગેના ઉત્તમ સૂત્રો પ્રિન્ટ કરાયેલા હતાં, જે નિયમિત ઉપયોગ સાથે સતત સંદેશ પ્રસારિત કરતા રહે તેવા હેતુથી વિશેષરૂપે તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ડો. પ્રજ્ઞાબેન ડાભી, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાખડિયા, TNAIના પ્રતિનિધિ શૈલેષભાઈ નાઈ, સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારીઓ દેવીબેન દાફડા, ધિરેન ભાવસાર સહિતનો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
વિશ્વમાં પાણીના સ્ત્રોતો જળવાઈ રહે તે માટે वर्षા જળ સંગ્રહ તથા જળ સચવન જરૂરી બન્યું છે, ત્યારે ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘરમાં કે સંસ્થામાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા રાખવી જોઈએ એ સંદેશ નર્સિંગ સ્ટાફે આપ્યો હતો.
અંગદાન અંગે પણ સ્ટાફને માહિતી આપવામાં આવી હતી કે, એક અંગદાતા પોતાના મૃત્યુ પછી અનેક લોકોને નવી જીંદગી આપી શકે છે. અંગદાન માટે માત્ર ઇચ્છા વ્યકત કરવી પૂરતી નથી, પરંતુ તેના માટે નિયમિત રીતે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
અંતે નર્સિંગ વિભાગના તમામ હસ્તોને આ અભિયાનમાં સાકારતાપૂર્વક જોડાવા અને વધુને વધુ લોકોને જાગૃત કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ માનવસેવા અને પ્રકૃતિ સંરક્ષણના સંદેશ સાથે ઉત્સાહભેર અને ઉમંગપૂર્વક યોજાયો હતો.




