
બાલાસિનોરમાં ‘હિપેટાઇટીસ-એ’ના વ્યાપને ડામવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
****
- અમીન કોઠારી.
મહીસાગર
બાલાસિનોર નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને શુદ્ધ પાણીની કામગીરી શરૂ
****
મહીસાગર, ૨૩ ડિસેમ્બર:: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં હાલમાં ‘હિપેટાઇટીસ-એ’ (કમળો) વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર અને બાલાસિનોર નગરપાલિકા દ્વારા રોગચાળાને વધુ પ્રસતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા હાલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
રોગચાળા સામે લડવા માટે જનજાગૃતિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને અને જાહેર સ્થળોએ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ માધ્યમથી લોકોને હિપેટાઇટીસ-એ રોગના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને સ્વચ્છતાના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતગાર કરવામાં આવી રહ્યા છે. લોકોને ખાસ કરીને ઉકાળેલું પાણી પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
શહેરમાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલમાં નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર મારફતે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ સાથે જ શહેરમાં ગટર સફાઈની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે, જેથી ગંદકીને કારણે થતો રોગચાળો અટકાવી શકાય.
ગટર ઉભરાવાની સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. વાનવિયો ગટર પમ્પિંગ સ્ટેશન ખાતે નગરપાલિકા દ્વારા વધુ એચ.પી. (HP) ની નવીન મોટર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા વધવાથી નગરમાં ગટર ઉભરાવાની સમસ્યા દૂર થશે, જે રોગચાળાને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને તંત્રને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

મહીસાગર

