ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

*મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂકતા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી.મકવાણા *

એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીલક્ષી કામગીરી માટે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરાઈ

આગામી સમયમાં અરવલ્લી જિલ્લામાં યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે કલેક્ટર સભાખંડ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી.મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આ ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે અત્યંત જરૂરી છે. આ માટે તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વહીવટી અને સુરક્ષાના ભાગરૂપે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.સાથે જ, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું.અંતમાં, ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલ્ફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!