
જૂનાગઢ જિલ્લામાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. બચાવ કામગીરી, ફૂડ પેકેટ વિતરણથી લઈને લોકોને સલામત સ્થળે આશ્રય આપવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વિસ્તાર જેમાં મેંદરડા અને કેશોદ ખાતે ૨ બચાવ ટીમો સ્ટૅન્ડબાય પોઝીશનમાં રાખવામાં આવી છે. જેમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ની રેસ્ક્યુ ટીમનો સમાવેશ થાય છે.સમગ્ર જિલ્લામાં કુલ ૨૫ સાયક્લોન શેલ્ટર ઉપલબ્ધ છે. તેમાં તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સુધીમાં બપોરના ૦૨:૦૦ કલાક સુધીમાં કુલ ૬૩૦ અસરગ્રસ્તોને યુદ્ધના ધોરણે આશ્રય આપવામાં આવ્યો છે.માંગરોળ તાલુકામાં ૨૦ સાયક્લોન શેલ્ટર ઉપલબ્ધ છે. જયારે માળીયા હાટીના તાલુકામાં ૫ સાયક્લોન શેલ્ટર આવેલા છે. એક સાયક્લોન શેલ્ટર ઉપર મહત્તમ ૫૫૦ નાગરિકોને આશ્રય આપી શકાય તેમ છે.માણાવદર શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી ૫૫૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકાના નવા કોટડા ગામે ૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ કેશોદ તાલુકામાંથી ૫૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



