
નરેશપરમાર. કરજણ,
કરજણ નગરપાલિકા ના બળવાખોરોને મનાવવામાં જિલ્લા ભાજપા પ્રમુખ નિષ્ફળ
કરજણ નગર પાલિકામાં ત્રિપાંખિયો જંગ ર૬ બળવાખોરોને ભાજપાએ સસ્પેન્ડ કર્યા
વડોદરા જિલ્લાના કરજણ નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ટિકીટ ના મળતાં આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરનાર ૨૬ કાર્યકરોને જિલ્લા ભાજપા પ્રમુખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ચિમકી આપી હતી. પરંતુ એક પણ બળવાખોર સભ્યોએ ફોર્મ પરત ના ખેંચતા ૭ વોર્ડની તમામ ૨૮ બેઠકો ઉપર ત્રીપાખીયો જંગ નક્કી થઈ ગયો છે. જોકે, જિલ્લા ભાજપા પ્રમુખે બળવાખોર તમામ કે વિર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૧૦૧ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન ડમી ઉમદેવારોના કુલ મળીને ૧૭ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. આમ ૮૯ ઉમેદવારી ફોર્મ રહ્યા હતા. જ્યારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ ૪ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં હવે ૮૫ ઉમેદવાર વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં જિલ્લા ભાજપા પ્રમુખની નિમણૂંક થનાર છે. વર્તમાન પ્રમુખ સતીષ પટેલ (નિશાળિયા)ની આગેવાનીમાં કરજણ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજવા જઇ રહી છે. જોકે, ભાજપા દ્વારા અનેક કાર્યકરોને ટિકીટ ના આપતાં કેટલાક કાર્યકરો બળવો કરી આમ આદમી પાર્ટીમાંથી તો કેટલાક ઉમેદવારો અપક્ષ ચૂંટણીમાં ઝંપલાવતા જિલ્લા ભાજપા પ્રમુખની આબરૂ ધજાગરા ઉડી ગયા છે. તેઓએ કથિત બળવાખોરોને ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ એક પણ બળવાખોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત લીધું ન હતું. જેથી જિલ્લા ભાજપા પ્રમુખે બળવાખોર ૨૬ સભ્યોને પાર્ટીમાંથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત સાવલી નગર પાલિકાની એક બેઠક સહિત વડોદરા તાલુકા પંચાયતની ૩ અને શિનોર તાલુકા પંચાયતની ૧ બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.




