
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં “હર ઘર તિરંગા અભિયાન”, “તિરંગા યાત્રા” અને “મેગા રક્તદાન”માં ઉત્સાહભેર જોડાવવાં જિલ્લા કલેક્ટર ની અપીલ
આપણી આન- બાન- શાન સમા તિરંગાને લહેરાવી રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે ઉજવણી કરીએ
સ્વાતંત્ર્ય પર્વ, 15 ઓગસ્ટની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાડવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં તા. ૨ જી ઓગસ્ટથી ‘હર ઘર તિરંગા’ યોજાઈ રહ્યું છે. આ અભિયાનમાં અરવલ્લીવાસીઓને જોડાવા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીકએ અપીલ કરતાં જણાવ્યું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશની સાથે સાથે આપણા રાજ્યમાં અને અરવલ્લી જિલ્લામાં “હર ઘર તિરંગા અભિયાન” અને ભવ્ય “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે સહુ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને આપણી આન- બાન- શાન સમા તિરંગાને લહેરાવી રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે ઉજવણી કરીએ.તો ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા જિલ્લામાં તમામ તાલુકા ૧૪-૦૮-૨૦૨૫ના રોજ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉનહોલ અને જિલ્લા પંચાયત ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. તો કલેકટર એ કહ્યું કે, આપણા દેશના માનનીય વડાપ્રધાન ની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ ‘હર ઘર તિરંગા અભિયાન’ તારીખ ૨ ઓગસ્ટથી શરૂ કર્યું છે ત્યારે આ રાષ્ટ્રીય અભિયાનમાં અરવલ્લીના તમામ નાગરિકો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ તથા અગ્રગણ્ય નાગરિકો સહિત સૌને જોડાવવા મારી ભાવભરી અપીલ છે. તેમણે કહ્યું કે, આપણે પોતપોતાના ઘરે તિરંગો ફરકાવ્યો છે તેની સેલ્ફી સોશિયલ પર અવશ્ય શેર કરીએ તેમજ જિલ્લામાં આવતીકાલે તારીખ ૧૨ મી ઓગસ્ટમાં રોજ મોડાસાના ઉમિયા મંદિર ખાતેથી ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઉત્સાહભેર ભાગ લઈ આ ‘તિરંગા યાત્રાને’ સફળ બનાવવા આહવાન કરું છું.
				



