
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નખત્રાણામાં જીવલેણ અકસ્માતો રોકવા સ્પીડ બ્રેકર મૂકવા માંગ: જિલ્લા કોંગ્રેસ મહામંત્રીની તંત્રને ચીમકી
મુંદરા,તા.1: નખત્રાણા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશ્વિનભાઈ રૂપારેલે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સંબંધિત વિભાગોને પાઠવેલા પત્રમાં તેમણે નખત્રાણામાં મુખ્ય માર્ગો પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની ઉગ્ર માંગણી કરી છે.
અશ્વિનભાઈ રૂપારેલે જણાવ્યું હતું કે ગતરોજ એક આશાસ્પદ યુવાનનું ટ્રક નીચે આવી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે જે અત્યંત દુખદ છે. છેલ્લા એક વર્ષમાં જ ત્રણ નિર્દોષ નાગરિકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક હોવાથી અહીં વાહનોની અવરજવર સતત રહે છે. જોકે બાયપાસ રોડની કામગીરી હજુ બાકી છે ત્યારે હાલના તબક્કે વધતી જતી દુર્ઘટનાઓ રોકવા માટે આરામ ગૃહથી તાલુકા પંચાયત વચ્ચેના માર્ગ પર યોગ્ય અંતરે સ્પીડ બ્રેકરો મૂકવા અનિવાર્ય બન્યા છે.
તેમણે તંત્રની નીતિ સામે સવાલ ઉઠાવતા ઉમેર્યું હતું કે, જો સામત્રા, માનકુવા, ભુજ અને દેશલપર જેવા રોડ ટચ ગામોમાં સ્પીડ બ્રેકરોની સુવિધા હોય તો ટ્રાફિકથી ધમધમતા અને ‘બારડોલી’ની ઉપમા પામેલા નખત્રાણામાં અત્યાર સુધી સ્પીડ બ્રેકર કેમ મૂકવામાં આવ્યા નથી? શું તંત્ર હજુ પણ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
અંતમાં તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો આ લોકહિતની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ આહિરના નેતૃત્વમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



