ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન,બનાસકાંઠા

11 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના છાપરા (હાથીદ્રા) ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું: નાગરિકોને સ્થળ પર જ વિવિધ લાભ સહિત માર્ગદર્શન અપાયું
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં આજરોજ પાલનપુર તાલુકાના છાપરા (હાથીદ્રા) ખાતે “ધરતી આબા જન જાગૃતિ અભિયાન” અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ થકી સ્થાનિક આદિજાતિ નાગરિકોને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી સ્થળ પરજ લાભ ઉપલબ્ધ કરાયા હતા.
કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોની કુલ ૨૩ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપીને પોતાના વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓ અને સેવા માટે સ્ટોલ લગાવીને લાભાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા. આદિજાતિ નાગરિકોને જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, આવાસ સહાય, વૃદ્ધ પેન્શન યોજના, શિક્ષણ સહાય, અભ્યાસ અંતર્ગત સહાય, આરોગ્ય સંબંધી યોજના, આયુષ્માન કાર્ડ, માનવ કલ્યાણ યોજના સહિતની અનેક યોજનાઓ માટે ફોર્મ ભરાયા હતા અને સ્થળ પર જ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ અભિયાન થકી વિશાળ માનવમેદની સાથે કાર્યક્રમને ઉત્સાહભેર સફળ બનાવવામાં આવ્યો હતો. મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત વિવિધ વય જૂથના નાગરિકોએ મોટી સંખ્યામાં કેમ્પ ખાતે આવીને વિવિધ લાભો મેળવીને સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત થયા હતા








