જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારશ્રીમાં ખાસ દરખાસ્ત કરાતા સરકારશ્રીનો ત્વરિત નિર્ણય

સમીર પટેલ, ભરૂચ
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવા માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
ભરૂચ- – ભરૂચ જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ઓલ્ડ એન.એચ. નં. ૮ મહત્વનો માર્ગ છે. જેના પર ગોલ્ડન બ્રિજ સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ પર ફેન્સીંગ ન હોવાના કારણે સમયાંતરે અનિચ્છિય ( આત્મહત્યા ) જેવી ઘટનાઓ બનતી આવી છે. જે સમસ્યાને અનુસંધાને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તેમજ સામાન્ય જનતાની તરફથી આવેલી રજૂઆતોને પ્રાયોરિટીમાં લઈ જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્નારા સરકારશ્રી માં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના પરિણામે સૂચવામાં આવેલી દરખાસ્ત માટે સરકારશ્રીએ ત્વરિત નિર્ણય લઈ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ ( G.I.) વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવા આવનાર છે. તેમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા જણાવાયું છે.




