ભરૂચ: ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે ૨૪મી ફેબ્રુઆરીના રોજ જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાશે

સમીર પટેલ, ભરૂચ
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અઘ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહના આયોજન અંગે બેઠક યોજાઈ :- ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૪ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાના “કિસાન સન્માન સમારોહ”નું આયોજન ઝાડેશ્વર ખાતે કરવામાં આવનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સભાખંડ કલેક્ટર કચેરી ખાતે તમામ ડીપાર્ટમેન્ટના લાઈઝનીંગ અધિકારીઓની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અઘ્યક્ષસ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ કિસાન સન્માન સમારોહના માઈક્રોપ્લાનિગ અંગે વિભાગને સોપવામાં આવેલી કામીગીરી પ્રમાણે સમિક્ષા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિભાગોને સોંપેલી જવાબદારીઓ અને કામગીરી ટીમવર્કથી સૂપેરે પાર પાડવા જરૂરી સૂચનો આપી ઉપયોગ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ખેડૂતોની સુખાકારી વધારવા બિહારના ભાગલપુરથી વડાપ્રધાન ખેડૂતોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધશે :- આ બેઠકમાં કિસાન સન્માન સમારોહના માઈક્રોપ્લાનિગ માટે ખેતીવાડી અધિકારી પ્રવિણ માંડાણીએ તાંત્રિક વિગતો આપી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ૨૪મી ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ ભાગલપુર- બિહાર ખાતે કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું છે.રાષ્ટ્રીય કક્ષાએથી વડાપ્રધાનનું અને રાજયકક્ષાએથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધનનું જીવંત પ્રસારણ ભરૂચના ખેડૂતો પણ નિહાળશે.
જિલ્લા કક્ષાનો સમાંતર કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગ પટાંગણમાં ખાતે ૨૪મીને સોમવારના રોજ બપોરે ૧૨:૩૦થી યોજાનાર છે. જ્યાં જિલ્લા કક્ષાનું કૃષિ પ્રદર્શન/કૃષિ માર્ગદર્શન/લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવનાર છે. ખેડૂતો ખેતીની નવીન ટેકનોલોજીથી માહિતગાર થઈ શકે તે માટે કૃષિ પ્રદર્શનમાં કૃષિ અને સંલગ્ન માહિતીના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે. વધુમાં રૂપરેખા આપતા જણાવ્યું કે, કાર્યક્રમમાં કૃષિલક્ષી વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સ્થાનિક ધારાસભ્યશ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ તેમજ જિલ્લાના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેનાર છે.
આમોદ તાલુકાના ફુટચણ ખાતેથી ૨૦૦ જેટલા ખેડૂતોની હાજરીમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો શુભારંભ :- આ જિલ્લાકક્ષાના કાર્યક્રમની સાથોસાથ ગ્રામ્યકક્ષાએ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધનનું જીવંતપ્રસારણ ખેડૂતો નિહાળશે. આ પ્રસંગે, કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઈ- લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા કક્ષાએ એપીએમસી આમોદ મારફતે તાલુકાના ફુટચણ ગામ ખાતે ઠાકોરજી મંડળીના પ્રોસેસીંગ યુનિટમાં ૨૦૦ જેટલા ખેડૂતોની હાજરીમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવનાર છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાંધલ, ખેતીવાડી અધિકારીશ્રી પ્રવિણ માંડાણી તેમજ અન્ય વિભાગના સંકલન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



