ભૂલકાં મેળો – ૨૦૨૫
*****
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો.****
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા પંચાયત,આઈ. સી. ડી. એસ શાખા, દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો લુણાવાડા ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.
કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, “બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા મેળા ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકોમાં છુપાયેલી પ્રતિભા બહાર આવે છે અને તેમને પોતાને વ્યક્ત કરવાની તક મળે છે.”
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકર અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને બાળકોએ અલગ અલગ વેશભૂષા અને કૃતિઓ રજૂ કરી હતી તે નિહાળી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવુતિ સમિતિ ચેરમેન શ્રીમતી મંજુલાબેન કટારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, આઈ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી દક્ષાબેન સહિત બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ તથા નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.