ભરૂચના આમોદ તાલુકાના રેવા સુગર ગ્રાઉન્ડ, ભીમપુરા ખાતે ૭૭માં ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ





સમીર પટેલ, ભરૂચ
**
*સ્વતંત્રતા સંગ્રામમાં ભરૂચ જિલ્લાનું બહુમૂલ્ય યોગદાન રહેલું છે*
***
*વોકલ ફોર લોકલની વિભાવના સાકાર કરવા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને ચરિતાર્થ કરીએ*
***
*કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના ૯૪ હજાર ખેડુતોને રૂપિયા ૨૯૫ કરોડની સહાય અપાઇ*
સમગ્ર દેશમાં થઇ રહેલી ૭૭માં ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા રેવા સુગર ગ્રાઉન્ડ, ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રની આન, બાન અને શાન શમા તિરંગાને સલામી આપી કલેકટર મકવાણાએ રાષ્ટ્ર કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી અને લોહપુરુષ સરદાર પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડૉ.કનૈયાલાલ મુનશી, છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ, દિનકરભાઈ દેસાઈ, કમળાશંકર પંડયા, ચંદ્રશંકર ભટ્ટ જેવા લોકનેતાઓએ આઝાદીની લડતમાં ભાગ લઇ ભરૂચ જિલ્લાને અનેરૂં ગૌરવ અપાવ્યું હતું એમ જણાવી આ સ્વાતંત્ર્યવીરોએ ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમના અમલથી લોકજાગૃતિની પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકાઓમાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈને લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું જણાવ્યું હતું.
તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌએ સ્વદેશીનો આગ્રહ રાખવો પડશે તોજ વોકલ ફોર લોકલની વિભાવનાને સાચા અર્થમાં સાકાર કરી શકીશું એમ કહી તેમણે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવો પડશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના ૯૪ હજાર ખેડુતોને રૂપિયા ૨૯૫ કરોડની સહાય આપવામાં આવી છે એમ કહી સરકારની ખેડૂત હિતલક્ષી નીતિની સરાહના કરી હતી.
વિકાસના ત્રણ સ્થંભ કૃષિ, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્રના સમન્વય થકી ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે એમ જણાવી તેમણે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી જિલ્લો વિકાસના નિતનવા આયામો સર કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
જિલ્લામાં થઇ રહેલા વિકાસની ઝાંખી રજૂ કરતા તેમણે કહ્યું હતું કે, જંબુસર તાલુકામાં રૂા. ૨,૫૦૬ કરોડના ખર્ચે ૨,૦૦૦ એકરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્ક, અંદાજિત રૂા. ૫,૫૦૦ કરોડનો ભાડભૂત બેરેજ અને આ પ્રકલ્પો સાકાર થવાથી થનારા ફાયદાઓ અંગે વિગતે વાત કરી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે- તથા અંકલેશ્વરમાં આકાર લેતું એરપોર્ટ ભરૂચને સીધું જ વૈશ્વિક બજાર સાથે જોડી દેશે. અને જ્યારે બુલેટ ટ્રેન થકી મુંબઈ જેવી મેટ્રોસીટીઝ સાથેની કનેક્ટીવિટીથી ભરૂચના વિકાસમાં એક નવી ક્રાંતિનો સૂર્યોદય થશે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને GIDCના સંયુક્ત પ્રયાસોથી અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયા જેવા ઔદ્યોગિક નિર્દિષ્ટ વિસ્તારોમાં આવતા ગામડાંઓમાં પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે રૂા. ૫૧.૨૬ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું કહી ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્નારા જિલ્લાના ખાણ- ખનીજથી અસરગ્રસ્ત પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવિત વિસ્તારોમાં માળખાકીય લોકસુખાકારીના કામો (DMF) દ્વારા કુલ રૂા. ૩૯.૬૨ કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ રોડ, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતો પુરી કરવા માટેના કામો કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
જિલ્લામાં થઇ રહેલા વિકાસ અંગે વધુ વાત કરતા તેમણે સામાજિક વનિકરણ વિભાગ દ્નારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજંયતિ નિમિત્તે સરદાર સ્મૃતિવનનું નિર્માણ અંતર્ગત ૨૧ હેક્ટરમાં ૧૦ જેટલા વન કવચ વિકસાવવામાં આવ્યા છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રૂપિયા ૧૫૯.૨૯ કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓના વિકાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ભરૂચ, વાગરા અને જંબુસર ખાતે નવા જનસેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હોવાનું કહી તેમણે અંકલેશ્વર ખાતે રૂપિયા ૬.૯૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે તેમજ રૂપિયા ૧૦ કરોડના ખર્ચે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ કોમ્પલેક્ષ આકાર લઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. વધુ વાત કરતા તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૧૬૨૫ કરોડના ખર્ચે ૨૪૬ કિલોમીટરના ૧૮ કામો પૈકી ૬ કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવો દ્ધારા વિવિધ ક્ષેત્રે વિશેષ સિધ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા યોજનાઓની જીવંત ઝાંખી પ્રસ્તુત કરતા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા કક્ષાની ઉજવણી સાચા અર્થમાં વિકાસોત્સવ બની રહે એ માટે પ્રાંત અધિકારીને રૂપિયા ૨૫ લાખનો ચેક આમોદ તાલુકાના વિકાસકામો માટે એનાયત કર્યો હતો.
પોલીસ વિભાગ દ્વારા રજૂ કરવામાં પરેડ, માર્ચ પાસ્ટ અને ડોગ શૉ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. વિવિધ શાળાના બાળકોએ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કૃતિઓ પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમે આવેલ કૃતિઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર શાળાના બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ડી. કે સ્વામી, રિતેશભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, પ્રોબેશનર આઇ.એ.એસ. સુશ્રી નેહા, ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર પાર્થ જયસ્વાલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, અગ્રણી પ્રકાશ મોદી, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રજાજનો અને સંબધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
——–




