જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: ડો. સુભાષ મહિલા કોલેજ ખાતે ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક દિવસીય કાનૂની માર્ગદર્શન અને સહાય અંગેની શિબિરનું આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને શિબિરાર્થીઓનું અભિવાદન કરતા સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ આજના સમયમાં કાનૂની સલાહ અને સહાય રાષ્ટ્ર નિર્માણમાં કેવું યોગદાન આપી શકે એની સમજૂતી આપી હતી, એમણે વિદ્યાર્થીને શિક્ષિત થવા સાથે દીક્ષિત થવા પર ભાર મૂકી સમય અને પરિસ્થિતિઓ વચ્ચે સંતુલન કેળવવા માટે જાગૃત રહેવું જરૂરી છે એમ કહી કાગડાના રૂપક દ્વારા આજના ઉપક્રમની મહત્તા સમજાવી હતી.
પ્રસંગોચિત આજની શિબિરના વિષયની ભૂમિકા બાંધતા પરમાર સાહેબે દરેકને ન્યાય મેળવવાનો અધિકાર છે અને નાનો માણસ પણ ન્યાયથી વંચિત ન રહેવો જોઈએ એ અમારી નેમ છે. કાનૂની સહાય મફત મળે અને લોકોની સમસ્યામાં કાયમી સમાધાન પંચની ભૂમિકા વિશે વાત કરી હતી.
આ પ્રસંગે જાણીતા એડવોકેટ ઠાકર સાહેબે હ્યુમન ડ્રાફ્ટિંગની વાત કરી. પીડીત યુવતીઓના અનેક કિસ્સાઓ રજૂ કરી એની સહાયમાં કાનૂની ભૂમિકા વિશે વાત કરી હતી, એમણે દીકરીઓને સોશિયલ મીડિયા વિશે જાગૃત કરી તકેદારી રાખવા વિશે ઉપયોગી સલાહ સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને સચિવ જજ ચાંદરાણી સાહેબે ન્યાય મંદિર અને શિક્ષણ વિશેની આવશ્યક બાજુ પર ભાર મૂકતા કાયદાઓ ભણવાની શી જરૂર છે અને પોતાના હકનું રક્ષણ કેમ જરૂરી છે એ વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. આપણે સૌએ આ દિશામાં સાથે મળીને લોકજાગૃતિ અભિયાન ચલાવવું પડશે એમ કહી એમણે સૌને ઉપકૃત કર્યા હતા.
કાર્યક્રમના આરંભે ઉપસ્થિત મહેમાન વક્તાઓના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ અને સરસ્વતી વંદના કરવામાં આવી હતી. વક્તાઓને સંસ્થાના આચાર્ય દ્વારા પુષ્પગુચ્છ થી અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને મહિલા બાળ કલ્યાણ વિશેની પુસ્તિકા સાથે ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી રહે એવા ચોપાનિયાનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના આધ્યસ્થાપક શ્રી પેથલજીભાઈનું પુણ્ય સ્મરણ કરી સ્મરણાંજલિ ગાન દ્વારા એમને અંજલિ અપાઈ હતી.
સમગ્ર ઉપક્રમ માટે સંસ્થાના વડા અને જાહેર જીવનના અગ્રણી કેળવણીકાર જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ કાર્યક્રમ માટે સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. સમગ્ર ઉપક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફે જહમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કિકાણી સાહેબે કર્યું હતું.