ગોધરામાં BAPS મંદિર પરિસર ખાતે જિલ્લા કક્ષાની ‘આરોગ્ય શિબિર’ યોજાઈ; જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આરોગ્ય સેવાઓનું સઘન માર્ગદર્શન આપ્યું

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં કાર્યરત વિવિધ શ્રેણીના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક વિશેષ “આરોગ્ય શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસર, ગોધરા ખાતે આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ. દેસાઈના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો.
આ શિબિરમાં વડોદરા ઝોનના વિભાગીય નાયબ નિયામક ડો. એસ.જી. જૈન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિવિધ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ અને જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.
આ શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સગર્ભા માતાઓની વિશેષ કાળજી લઈ, સરકારી ડિલીવરી પોઈન્ટ પર જ સંસ્થાકીય સુવાવડ કરાવવા અંગે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ડો. એસ.જી. જૈન દ્વારા માતા મરણ અને બાળ મરણ ઘટાડવા તેમજ મેલેરિયા, ટી.બી., રક્તપિત્ત, સિકલસેલ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધન (HR), કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અને બિનચેપી રોગોના નિયંત્રણ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તથા કન્સલ્ટ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષની સ્થિતિનું ડિસ્પ્લે કરી તમામ નેશનલ હેલ્થ પ્રોગ્રામની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ આરોગ્ય શિબિરમાં તાલુકા આરોગ્ય અધિકારી, CHC સુપ્રિટેન્ડન્ટ, મેડીકલ ઓફિસરથી લઈને ફિલ્ડમાં ફરજ બજાવતા MPHW અને FHW સુધીના તમામ કર્મચારીઓ સહભાગી થયા હતા.







