અમદાવાદમાં ઓક્ટોબર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો : કલેક્ટર સુજીત કુમારે 10થી વધુ અરજીઓનો સ્થળપર ત્વરિત નિકાલ કર્યો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: જિલ્લા કચેરી ખાતે ઓક્ટોબર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા કલેક્ટર સુજીત કુમારે સંભાળ્યું હતું. જનસામાન્યના પ્રશ્નોને સીધા સાંભળવા અને તાત્કાલિક ઉકેલ લાવવાનો હેતુ ધરાવતા આ કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કુલ 15 જેટલા અરજદારો તેમની વિવિધ રજૂઆતો સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કલેક્ટરે દરેક અરજદારની વાત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળપર જ ચર્ચા કરી હતી. અનેક કેસોમાં તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
વિવિધ પ્રકારની અરજીઓમાં જમીન માપણીમાં થયેલી ભૂલો સુધારવા, ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરાવવા, પીવાનું પાણી દૂષિત આવવાની સમસ્યા, રસ્તાના સમારકામ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, સર્વે નંબરમાં સુધારા જેવી વિવિધ ફરિયાદો રજૂ થઈ હતી. આમાંથી 10 જેટલી અરજીઓનો નિકાલ કલેક્ટરે સ્થળપર જ કર્યો હતો, જ્યારે બાકીના પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગોને ચોક્કસ સમયમર્યાદામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
કલેક્ટરે જણાવ્યું હતું કે, “સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકોને તેમના પ્રશ્નોના નિકાલ માટે સરકારી કચેરીઓના ચક્કર ન મારવા પડે. દરેક નાગરિકની સમસ્યા સમયસર ઉકેલાય એ માટે પ્રશાસન પ્રતિબદ્ધ છે.”
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પોતાની સમસ્યાનો ઉકેલ સ્થળપર થતા અરજદારોના ચહેરા પર આનંદ છલકાયો હતો. અનેક નાગરિકોએ જિલ્લા વહીવટીતંત્રની આ લોકકેન્દ્રિત પહેલની પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમ સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નો સીધા પ્રશાસન સુધી પહોંચાડવાનું એક અસરકારક માધ્યમ બની ગયું છે. આ કાર્યક્રમ મારફતે નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે વિશ્વાસ અને સંવાદનો સેતુ મજબૂત બન્યો છે.






