અમદાવાદમાં ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫’ની ભવ્ય શરૂઆત : ૨૦૪૭ સુધી વિકસિત ભારતના નિર્માણનો દૃઢ સંકલ્પ જિલ્લા અધિકારીઓએ ગર્વભેર લીધી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત ૨૦૪૭”ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતભરમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫’ના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પણ ઉજવણીનો પ્રારંભ ઉત્સાહપૂર્વક થયો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ‘પ્રતિજ્ઞા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહની અધ્યક્ષતા કલેક્ટર સુજીત કુમારે કરી હતી. પ્રસંગે ધારાસભ્ય અમુલ ભટ્ટ, દિનેશ કુશવાહા, કિરીટસિંહ ડાભી, હર્ષદ પટેલ તેમજ સાંસદ હસમુખ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત સાથે થઈ હતી, ત્યારબાદ જિલ્લા અધિકારીઓએ સમૂહમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી. આ પ્રતિજ્ઞામાં દરેક અધિકારીએ એક નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા માટે અવિરત સમર્પિત રહેવાની, રાષ્ટ્રીય સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની, પરંપરા અને વારસાનું જતન રાખવાની તથા ધાર્મિક અને સામાજિક ભેદભાવને પરિત્યજીને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના ધ્યેયને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૪૭ સુધી ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મન, વચન અને કર્મથી યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. “હર ઘર સ્વદેશી, હર ઘર સ્વચ્છતા”ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં અવિરત પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી.
આ પ્રસંગે કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું કે વિકાસ માત્ર સરકારી યોજનાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ દરેક નાગરિકનો સહયોગ અને પ્રતિબદ્ધતા એ જ સાચો વિકાસનો આધાર છે. તેમણે અધિકારીઓને જનહિતના કાર્યોમાં પારદર્શિતા, જવાબદારી અને સમર્પણથી કાર્ય કરવાની પ્રેરણા આપી.
કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા લોકપ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વિવિધ વિકાસાત્મક કાર્યક્રમો, સેવા કાર્યો અને જાહેર જાગૃતિ અભિયાનોનું આયોજન પણ કરવામાં આવશે. આ સપ્તાહ પ્રજાના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં નવી ઉર્જા પૂરું પાડશે.