GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને “જિલ્લા માર્ગ સલામતી સમિતિ”ની બેઠક યોજાઈ

તા.૨૧/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ગેરકાયદે ડિવાઈડર તોડતા લોકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ અને કડક દંડનીય કાર્યવાહી કરવા પર ભાર મૂકતા ક્લેક્ટર શ્રી ડો.ઓમ પ્રકાશ

જાન્યુઆરી માસમાં હેલ્મેટ, સીટ બેલ્ટ, પી.યુ.સી, ડ્રાઈવિંગ લાયસન્સ, ઓવર લોડ, ફિટનેસ સર્ટિફિકેટ વિના વાહન ચલાવવા, અન્ય ગુનાઓ સહિતના ૧,૧૧૭ કેસમાં આશરે ૪૫ લાખથી વધુ રકમની વસૂલાત કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને “જિલ્લા માર્ગ સલામતી સમિતિ” બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રી દ્વારા નાગરિકોની પરિવહન સુરક્ષાને ધ્યાને લઈને અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે તોડી પાડવામાં આવેલા ડિવાઇડર, ક્ષતિ ગ્રસ્ત રોડ રસ્તાઓની મરામત, અકસ્માત સંભવિત સ્થળો, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના ગુનાઓ સહિત જિલ્લા માર્ગ સલામતી સમિતિને મળેલી રજૂઆતો સહિતના મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ક્લેક્ટરશ્રીએ પોલીસ, આર.ટી.ઓ અને સંલગ્ન રોડ એજન્સી દ્વારા રાજકોટ – ભાવનગર, આટકોટ થી જસદણ, રાજકોટ થી કાલાવડ, જેતપુર – સોમનાથ હાઈ વે ઉપર સંયુક્ત તપાસણીના અહેવાલની સમીક્ષા કરીને ગેરકાયદે ડિવાઈડર તોડી પાડતા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને કડક દંડનીય કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.

આ તકે આર.ટી.ઓ શ્રી આઈ.એસ.ટાંકે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં રોડ સેફ્ટી ચેકીંગની કામગીરી અન્વયે હેલ્મેટ, સીટ બેલ્ટ, પી.યુ.સી., ડ્રાઈવિંગ લાયસન્સ સહિત ફિટનેસ વિના વાહન ચલાવનાર, થર્ડ પાર્ટી વીમા, ઓવર લોડ, ઓવર ડાયમેન્શન, એલ.ઈ.ડી લાઈટ અંગેનું ચેકીંગ, અન્ય ગુનાઓ સહિત ૧,૧૧૭ કેસોની સંખ્યા સાથે આશરે રૂ. ૪૫ લાખથી વધુની રકમની વસૂલાત કરવામાં આવી છે.

તેઓશ્રી ઉમેર્યું હતું કે, આર.ટી.ઓ કચેરી દ્વારા માર્ગ સલામતી ૨૦૨૬ની ઉજવણી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે હેલ્મેટ રેલી અને રોડ સેફટી સેમિનારનું આયોજન, રિક્ષા અને ભારે વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર પટ્ટી લગાવીને માર્ગ સલામતીની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં GSRTC ખાતે આશરે ૧૦૦ જેટલા કંડકટરોને તાલીમ આપવામાં આવી છે. માધાપર ચોકડી ખાતે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. દ્વારા ઉચ્ચ તીવ્રતા વાળી હેડલાઈટ અંગે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથો સાથ વર્ષ ૨૦૨૬-૨૭નો એકશન પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રોડ અકસ્માતમાં ઘાયલોને મદદરૂપ બનનાર નાગરિકોનું “રાહવીર” યોજના હેઠળ સન્માન કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ કલેક્ટરશ્રીના હસ્તે ગોંડલના રહેવાસી દિનેશભાઈ ખીમજીભાઈ માધડનું રાહવીર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. જેઓએ વીરપુર ગામના વિષ્ણુભાઈનું બસ સાથે અસ્કમાત થતાં માથાના ભાગમાં ઈજા પહોંચી હતી, ત્યારે દિનેશભાઈ માધડે પોતાની કારમાં બેસાડીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલિસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, સર્વે પ્રાંત અધિકારીઓશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!