આજે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો દિવાસા ઉત્સવ,નવસારીમાં નીકળશે ઢીંગલાબાપાની પરંપરાગત યાત્રા….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસા ખુબ જ ધામધુમથી ઉજવણી કરે છે. ઉત્સવની વિસ્તાર પ્રમાણે ઉજવણીમાં ધરમપુરમાં દિવાસાના દિવસે નાળિયેર ફોડવાની પ્રથા છે, જયારે નવસારીમાં ઢીંગલાબાપાની યાત્રા નીકળે છે. જયારે ઢીંગલા- ઢીંગલીને લગ્ન કરાવવાનો રિવાજ પણ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં છે. આ ઉત્સવ પ્રાચીન સમયથી ઉજવતા આવે છે. તાપી, સુરત, નર્મદા, ભરૂચ જિલ્લાના આદિવાસીઓ દેવપૂજા કરતા હોય છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાળિયેરને ટપલી દાવ આપીને અનોખી ઉજવણી થાય છે. એકબીજાના નાળિયેરને ફોડવાની પ્રથા છે. જેનું નાળિયેર ફુટી જાય ત્યારે, જેનું નાળિયેર ન ફુ્ટયું હોય તેને આપી દેવાની પ્રથા છે, એટલે તે જીતેલો ગણાય. ધરમપુર અને તાલુકાના ગામોમાં નાળિયેરની હાટડીઓ ખુલી જાય છે. ધરમપુરમાં મેળો ભરાય છે. લોકો કામ-ધંધા છોડીને પણ આ ઉત્સવમાં જોડાઇ છે. અષાઢની અમાસને દિવાસા તરીકે ઓળખવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર, પારડી અને કપરાડા તાલુકામાં વસતા આદિવાસીઓમાં દિવાસાનું મહત્વ અનેરૂ છે.તાપી, સુરત, ભરૂચ, નર્મદાના આદિવાસીઓમાં દિવાસાનું ખાસું મહત્વ રહેલું છે. ‘દિવાસો એટલે ખેતીકામ હળવું થયાનો ઉત્સવ’. આદિવાસીઓ ડાંગરની રોપણી પરિપૂર્ણ કરીને આ તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરે છે. આ તહેવારને (બિ બિવળાણે પરબ) એટલે કે બિયારણનો તહેવાર તરીકે આદિવાસી સમાજ માને છે. ખેતીવાડીમાં પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસી સમુદાયના લોકો દેવપૂજા કરતાં હોય છે. દિવાસાની આગલી રાતે ગામમાં ઉજાણી રાખવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે આદિવાસીઓ પોતાના પૂર્વજોને (ખત્રીજોને) પૂજે છે અને ખાસ યાદ કરે છે. કારણ કે આદિવાસીઓ એવું માને છે કે પોતાના વડવાઓ એટલે કે પૂર્વજો (ખત્રીજો) ના જ પ્રતાપે જ આ ખેતીવાડી છે અને એમના થકી જ અમે ખેતીકામ કરતાં શીખ્યા છીએ, અને ખેતીવાડીમાં સારૂ ઉત્પાદન મળે છે. દિવાસાના દિવસે ગામના પૂજારાઓ ગામમાં આવેલ હિમારયા દેવની પૂજા કરે છે.આદિવાસી સમાજમાં ઢીંગલા-ઢીંગલી ઉત્સવ ખુબ જ જાણીતો છે. હવે તો શાળાના બાળકોને પણ આ ઉત્સવ મનાવે છે. જુની ભુલાઇ ગયેલી પરંપરાને જીવંત કરવામાં આવી છે. લોકો બે દિવસ પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે. ઘરે ઘરે ઢીંગલા-ઢીંગલી બનાવી તેને હળદર લગાવે, બારશીંગા પણ બાંધે છે. એક-બીજાને ત્યાં લઇ જાય, પાટલા પર બેસાડે છે. જૂના જમાનામાં કુંવારી છોકરીઓ ઢીંગલા-ઢીંગલીની બાધા રાખતા. લોકો ઘરે આદિવાસી વાનગીઓ ઉંડા, ઢેંકળા વગેરે બનાવે છે. ત્યારબાદ ગીતો ગાતા-ગાતા લગ્ન કરાવી, પરંપરાગત વાદ્યો સાથે નદીએ લઇ જઇ ત્યાં નાની નાની હોડી કે તરાપા બનાવીને વિસર્જન કરે છે. ગીતો પણ ગાય છે.આજ ગોખલે, કાલે પાટલે બેસી સાસરીયે જાજો રે,
મારા ઢીંગલાભાઇ, દરિયામાં જાય રે જો રે મારા ઢીંગલાભાઇ,દરિયો તમારો સસરો રે મારા ઢીંગલાભાઇ
દિવાસાના દિવસે નવસારી ખાતે ઢીંગલાબાપાની વિશાળ શોભાયાત્રા નીકળે છે. હળપતિ રાઠોડ સમાજના લોકો માટે આ તહેવાર ખુબ જ મહત્વનો છે. નવસારીમાં ૧૦૦ વર્ષ વધુ સમયથી લોકો ઢીંગલાબાપાની પૂજા કરે છે. રોગચાળાની મહામારીથી બચવા આજે પણ આ તહેવારનું ખુબ જ મહાત્મય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.આ ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલના વિસ્તારોમાં દિવાસાની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જયાં નવાઇના ગરબાઓ ખુબ જ પ્રખ્યાત છે.



