નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ૧૧૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયુ
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતોના ચૂંટણી કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લાના કુલ ૧૧૨ ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તથા પેટા ચૂંટણીઓ માટે આજે રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી મતદાન યોજાયું હતું.
જિલ્લામાં વરસાદી વાતાવરણ અને ખેડૂતોના ખેતી કાર્યોની વ્યસ્તતા છતાં પણ મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃત ભાવના સાથે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે મતદાન શરૂ થતાની સાથે જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારોમાં હાજરી નોંધાઈ હતી. નાગરિકોએ પોતાના કિંમતી અને પવિત્ર મત આપી લોકશાહીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં આદિવાસી ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં સિનિયર સિટિઝન મતદાન માટે હાથમાં લાકડી અને સહાયક સાથે મતદાન કેન્દ્ર સુધી પહોંચી મત આપતા જોવા મળ્યા હતા. અશક્ત નાગરિકોને મતદાન મથક સુધી લાવવા માટે વાહનોની સુવિધા ઊભી કરી પવિત્ર મતાધિકારનાં એક વોટની કિંમત અને મતદારોની હિંમત ખરેખર દાદ માગી લે તેવી હતી. લોકશાહી પર્વને એક તહેવારની જેમ સજી ધજીને પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લાની ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા અમલમાં મૂકાઈ હતી. જિલ્લા ચૂંટણી તંત્ર, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા સાથે મજબૂત કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું.
તાલુકાવાર મતદાનની વિગત જોઈએ તો નાંદોદ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી, તિલકવાડા તાલુકમાં ૧૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી, ગરૂડેશ્વર તાલુકામાં બે ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧૦ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
દેડીયાપાડા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તથા ૨૪ વિભાજિત પંચાયતોમાં ચૂંટણી અને ૧૪ પંચાયતોમાં પેટા ચૂંટણી સાગબારા તાલુકામાં એક ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ૧૦ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દેડિયાપાડા તાલુકાના નિંઘટ પ્રાથમિક શાળાના મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ પુરૂષો કરતાં મહિલા મતદારોમાં વધુ જોવા મળ્યો અને મતદાનમાં પણ મહિલાઓ મોખરે રહી હતી. અને વિદ્યાના મંદિર એવા પ્રાથમિક શાળાનાં મતદાન કેન્દ્રમાં ચંપલ બહાર કાઢીને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વૃદ્ધો હાથમાં લાકડીના ટેકે પણ મદતાન કરવા પહોંચ્યા હતા. વરસાદના માહોલમાં હાથમાં છત્રી અને ચૂંટણીકાર્ડ લઈને કતારોમાં જોવા મળ્યા હતા.