થરાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ બાદ તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
થરાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ બાદ તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે.થરાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ડેપ્યુટી કલેક્ટરશ્રી ભવ્ય નિનામા અને શ્રી ધર્મેશ કાછડની જોઇન્ટ ટીમ, મામલતદારશ્રી સહિત રેવન્યુ સ્ટાફની ટીમ કામગીરીમાં કાર્યરત છે. થરાદ શહેરમાંથી વરસાદી પાણી દૂર કરવા માટે ૬ પંપની મદદથી ૪૮ કલાકના સમયમાં પાણીનો નિકાલ કરાયો છે. થરાદ શહેર ખાતે પાણીનો નિકાલ થતા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે. રેવન્યુ વિભાગની ટીમો ઘર-ઘર જઈને નાગરિકોને મળીને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે.
આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.





