અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત ચોરીના બનાવો વધ્યા,બામણવાડ ગામે એક જ રાતમાં ૬ જેટલી જગ્યાએ ચોરીની ઘટના
બામણવાડ ગામે એક જ રાતમાં ૬ જેટલી જગ્યાએ ચોરીની ઘટના, તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં કેદ
બામણવાડ દૂધ ઉત્પાદક મંડળીમાંથી ૨૨ હજાર જેટલી રોકડ રકમ લઈ તસ્કરો રફુચક્કર
અરવલ્લી જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામે ગત રાત્રીએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બામણવાડ ગામે પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા પાંચ થી છ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્રણ મકાન, સેવા સહકારી મંડળી, એક કરિયાણાની દુકાન તથા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી અજાણ્યા શખ્સો ચોરી કરી પલાયન થયા હતા. દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી મંડળીમાં રહેલી તિજોરીના લોકર તોડી આશરે ૨૫ હજાર જેટલી રોકડ રકમ ની તસ્કરી કરી તસ્કરો પલાયન થયા હતા. મોડી રાત્રીએ ચોરી કરવા આવેલા શખ્સો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા હતા. ઠંડીની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ચોરીની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રી દરમિયાન વધુ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. વહેલી સવારે ટીંટોઈ પોલીસને જાણ કરાતા ટીંટોઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.