ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાષ્ટ્રીય સ્વતંત્રતાપર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
કુલપતિ પ્રો. ડૉ. અમીબહેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તિરંગાયાત્રાની શરૂઆત યુનિવર્સિટી પરિસરમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસેથી કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી વિસ્તાર મારફતે યાત્રા આગળ વધી, જ્યાં ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું.
યાત્રામાં યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ, પ્રાધ્યાપકો અને સ્ટાફ સભ્યો સક્રિય રીતે જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને ચાલતા ભાગલેદારોમાં ગૌરવ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. આ યાત્રાએ દેશભક્તિની ભાવના સાથે એકતા અને ગૌરવનો સંદેશ પ્રસરાવ્યો.
યુનિવર્સિટી પ્રશાસન મુજબ, આવનારા દિવસોમાં પણ સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં રાષ્ટ્રીય ગૌરવ તથા જવાબદારીની ભાવના વધુ મજબૂત બને.






