ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ઉદ્દબોધનથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારનું સ્નાન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો અને દિશા દર્શાવતા સંદેશ આપ્યા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું કે વિદ્યા એ માત્ર નોકરી માટે નહીં, પણ મુક્તિ તરફ લઈ જતી સાધના હોવી જોઈએ. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રની અપેક્ષાઓને પૂર્ણ કરે છે, તે જ સાચા અર્થમાં સફળ માનવામાં આવે છે. તેમણે સંસ્કૃત સૂત્ર “સા વિદ્યા યા વિમુક્તયે” નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારતીય શિક્ષણ પદ્ધતિનું પરમ ધ્યેય જ આત્મવિમુક્તિ છે.
દિક્ષાંત સમારોહમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે. માહિતી તે છે જે શિક્ષણથી પ્રાપ્ત થાય છે, જ્યારે તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે થાય ત્યારે જ તેને જ્ઞાન માનવું જોઈએ. તેમણે યુવાનોને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું અને જણાવ્યું કે ડિગ્રી માત્ર ઉપારજન માટે નહીં, પરંતુ રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવવા માટે હોવી જોઈએ.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો તરફ દોરતાં કહ્યું કે નચિકેતા જેવી ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમ દેશને આગલું બનાવે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ હવે પોતાના જ્ઞાનનો ઉપયોગ યોગક્ષેમ માટે કરવો જોઈએ.
UGCના પૂર્વ અધ્યક્ષ એમ. જગદેશ કુમારે જણાવ્યું કે NIRF રેન્કિંગ-2024 મુજબ ઓપન યુનિવર્સિટી કેટેગરીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તૃતીય સ્થાન પર છે. તેમણે ઓપન યુનિવર્સિટીની શ્રેષ્ઠતા અને સર્વસમાવેશક અભિગમને વખાણી હતી.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અમી ઉપાધ્યાયે યુનિવર્સિટીની સિદ્ધિઓ, શિક્ષણક્ષેત્રે થયેલા સુધારા અને અભ્યાસક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે પાટણ રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું અને પ્રતિ વર્ષ સમરસતા એવોર્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી.
આ દીક્ષાંત સમારોહમાં કુલ 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, જેમાં 39 ગોલ્ડ મેડલ, 40 સિલ્વર મેડલ અને 42 પ્રમાણપત્રો સહિત કુલ 121 પદકોનું વિતરણ થયું. દીક્ષાંત સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય દીક્ષાંત સમારોહ માત્ર ડિગ્રી વિતરણની પરંપરા પૂરતો ન રહી, પરંતુ આમાં જ્ઞાન, સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાનું સંગમ જોવા મળ્યો.