
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી – : કાદવિયા ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ – આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ ડામર રોડ ન બનતા રોષ.!!! 16 તારીખથી શિક્ષણ હડતાલની ચીમકી.!!!
શામળાજી તાલુકાના કાદવિયા ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ ડામર રોડ ન બનતા ગ્રામજનો દ્વારા આગામી ૧૬ તારીખથી શિક્ષણ હડતાલની ચીમકી આપવામાં આવી છે
માહિતી મુજબ ગામના આશરે ૭૫ ઘરના અંદાજે ૧૫૦ વિદ્યાર્થીઓના શિક્ષણના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. ડુંગરાળ અને નદી વિસ્તાર હોવાને કારણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા દરમિયાન જીવના જોખમે પસાર થવું પડે છે. વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, જેના કારણે બાળકોને ભણતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ મુદ્દે ગ્રામજનો દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટર કચેરી આગળ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે તાલુકા વિકાસ અધિકારીને અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં રસ્તાની સુવિધા ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સેવાઓ પણ સમયસર મળી શકતી નથી. જેના કારણે આરોગ્ય અને શિક્ષણ બંને ક્ષેત્રે ગામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે.વિરોધ સ્વરૂપે ગ્રામજનો આગામી ૧૬ તારીખથી શાળા, કોલેજ અને આંગણવાડીના બાળકોને ભણતરથી વંચિત રાખી શિક્ષણ હડતાલ શરૂ કરશે તેવી ચેતવણી આપી છે. “બાળકોને કંઈપણ થાય તો તંત્ર જવાબદાર રહેશે,” એવી ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે.







