
UCC ચૂંટણીના કારણે આદિવાસી સમાજ બાકાત, પણ ભવિષ્યમાં સમાવેશની ભીતિ : ચેતર વસાવા
તાહિર મેમણ – 26/03/2026 –
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર યુસીસી બિલ લાવી રહી છે અને એનો જશ લેવા માટે તેઓ થનગની રહ્યા છે. આઝાદી બાદ બંધારણ સભામાં 23/11/1948ના રોજ UCC બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં તેની કલમ 44 અસ્તિત્વમાં આવી અને રાજ્યને વિચારણા હેઠળ એ કલમ મુકવામાં આવી. દેશનું બંધારણ આપણને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય રીતે સ્વતંત્રતા આપે છે. કેટલાક સમુદાયોના વ્યક્તિગત અને કેટલાક સમુદાયોના સામાજિક કાયદાઓ છે અને એ અંતર્ગત લગ્ન-છૂટાછેડા, વારસાઈ, ભરણપોષણ, દત્તક પ્રથા જેવા કામો થાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે ફોજદારી કાયદા હોય કે દીવાની કાયદા હોય, તે દેશ અને રાજ્યમાં ચાલે જ છે, હવે સરકાર કહે છે કે એક લાકડીથી આખું રાજ્ય ચાલવું જોઈએ. અમારું માનવું એ છે કે જો સરકાર તમામ લોકો માટે તમામ કાયદો લાવવા માંગે છે તો સમાનતાની ધારા કેમ લાવતા નથી? આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? લઘુમતી સમુદાયના લોકોને ઠેસ પહોંચાડીને આપણી રાષ્ટ્રીયતા સાબિત કરવાના પ્રયાસો આજે ગુજરાત સરકાર કરી રહી, અમે એની નિંદા કરીએ છીએ અને અમે એનો વિરોધ પણ કરીએ છીએ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, હવે આ નિયમ પ્રમાણે લગ્નના 30 દિવસમાં લગ્નની નોંધણી કરાવી પડશે અને જો નોંધણી નહીં કરાવો તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આજે બેંકોમાં, મામલતદાર કચેરીમાં, તાલુકા કચેરીમાં અને હવે પેટ્રોલ પંપ પર પણ આપણે ખૂબ જ લાઈનો જોઈ રહ્યા છીએ, તો લોકો લગ્ન કરીને હવે નોંધણી માટે લાઈનોમાં ઊભા રહેશે? હવે આ નિયમમાં કહી રહ્યા છે કે કોર્ટમાંથી જ છુટાછેડા થશે, જ્યારે આજે કોર્ટમાં 10-15 વર્ષ સુધી લોકોના છૂટાછેડાના કેસ ચાલતા હોય છે, તો શું બધા સમુદાયના લોકો કોર્ટના માધ્યમથી જ છુટાછેડા લેવા જશે? લિવ-ઈન માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, તો આ લિવ-ઈન દરમ્યાન કોઈ બાળક પેદા થશે તેને લઈને શું જોગવાઈ છે? જો હોય તો કહેવા માંગીશ કે ગુજરાત સરકાર આ બિલને લઈને ઉતાવળ કરી રહી છે. તેમ ધારાસભ્ય ચેતર વસાવા ઍ જણાવ્યુ.




