AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં હવામાનમાં અણધાર્યા ફેરફારોને કારણે મે મહિનામાં કમોસમી વરસાદનો કહેર યથાવત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં હવામાનમાં અણધાર્યા ફેરફારોને કારણે કમોસમી વરસાદનો કહેર મે મહિનામાં પણ યથાવત જોવા મળી રહ્યો છે.મે મહિનાની શરૂઆતથી જ ડાંગ પંથકમાં અનિયમિત વરસાદ શરૂ થયો હતો,ત્યારે થોડા સમયના વિરામ બાદ ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ફરીથી વરસાદ શરૂ થયો છે.શુક્રવાર અને શનિવારે બપોર પછી ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા,જેનાથી ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે.આ કમોસમી વરસાદ ખાસ કરીને ખેડૂતો માટે વિનાશકારી સાબિત થયો છે.ઉનાળુ પાકની સિઝનમાં ખેડૂતોએ મોટા ખર્ચે વાવેતર કર્યું હતુ.અને સારા પાકની અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ આ અણધાર્યા વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.ખાસ કરીને  ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન થયું છે. જે પાક લણણી માટે તૈયાર હતો, તેને પણ આ વરસાદથી મોટો ફટકો પડ્યો છે.લોકોનાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને સતત ભેજવાળા વાતાવરણને કારણે પાક અને શાકભાજીમાં જીવાત અને રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે.ડાંગ જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોએ માંડ માંડ તૈયાર કરેલા પાકને નુકસાન થતા તેઓ નિરાશામાં ગરકાવ થઈ ગયા છે.ખેડૂતોએ દિવસ-રાત મહેનત કરીને પાક ઉગાડ્યો હતો,અને હવે લણણીનો સમય આવ્યો ત્યારે વરસાદે બધું બરબાદ કરી દીધું છે.વધુમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મે મહિનાનાં આખરનાં દિવસોમાં લોકો પોતાના ખેતરોમાં આદર સહીતની કામગીરી પૂર્ણ કરતા હતા.પરંતુ આ અણધાર્યા વરસાદથી ખેતીની મહત્વની આદરપ્રથા ખોરંભે ચડી છે.એક તરફ ખેડૂતો ચિંતિત અને બેહાલ બન્યા છે.ત્યાં બીજી તરફ આ કમોસમી વરસાદે ડાંગ જિલ્લાનાં પ્રકૃતિનાં સૌંદર્યમાં અનેરો વધારો કર્યો છે.ડાંગ જિલ્લો તેના ગાઢ જંગલો, ડુંગરાળ પ્રદેશો અને ધોધ અને નદી માટે જાણીતો છે.હાલમાં કમોસમી વરસાદના કારણે ચારેબાજુ લીલોતરી છવાઈ ગઈ છે,જંગલોને જાણે નવુ જીવન મળ્યુ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે .સાથે જિલ્લાનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને પહાડો પરથી વહેતા ઝરણા અને ધોધ ફરી જીવંત બન્યા છે.આ દ્રશ્યો પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ગિરિમથક સાપુતારા માટે કમોસમી વરસાદ આર્શીવાદરૂપ સમાન સાબિત થયો છે.સાપુતારા ખાતે કમોસમી વરસાદનાં કારણે જોવાલાયક સ્થળોનું વાતાવરણ નિખરી ઉઠવાની સાથે આહલાદક બની જવા પામ્યુ છે.હાલમાં જોવાલાયક સ્થળોએ લીલોતરી ફૂટી નીકળતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યુ છે.સાપુતારા ખાતે ઠંડાગાર વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓની મોજ પડી જવા પામી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોને વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Back to top button
error: Content is protected !!