
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે મે મહિનાથી જ અણધાર્યા વરસાદી માહોલે દસ્તક દેતા સૂકી ભઠ જમીન તરીતૃપ્ત બની મહેકી ઉઠી છે.હાલમાં ડાંગની ધરા પર જ્યાં પણ નજર નાખો ત્યાં માત્રને માટે હરીયાળી જ જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં શનિ રવિ બાદ સોમવારે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ, વઘઇ,ઝાવડા,ભેસકાતરી,કાલીબેલ,બરડીપાડા,પીંપરી,આહવા,બોરખલ,ગલકુંડ,ચીંચલી, ગારખડી, સુબિર, લવચાલી, સિંગાણા સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં રવિવારે રાત્રીનાં અરસામાં તથા સોમવારે દિવસ દરમ્યાન ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપેનો વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદી, નાળા, વહેળા, કોતરડા, ઝરણા,ચેકડેમોમાં પાણીની આવક વધી છે.સાથે જંગલ વિસ્તારનાં નાના મોટા જળધોધ તેમજ આહવા સાપુતારા માર્ગ પર આવેલ શિવઘાટનો ધોધ સક્રિય થતા દ્રશ્યો નયનરમ્ય જોવા મળ્યા હતા.જેમાંય ગિરિમથક સાપુતારા સહિત ડોન હિલ રિસોર્ટ ખાતે વરસાદી માહોલ બાદ રોજેરોજ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ ખુશનુમામય બન્યુ હતુ.સાપુતારા સહીત પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ પ્રવાસીઓએ વરસાદી માહોલ સહીત ગાઢ ધુમ્મસીયા વાતાવરણની લિજ્જત માણી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં 29 મીમી અર્થાત 1.1 ઇંચ,આહવા પંથકમાં 20 મિમી અર્થાત 0.8 ઇંચ, સાપુતારા પંથકમાં 18 મીમી, જયારે સૌથી ઓછો સુબીર પંથકમાં 05 મીમી વરસાદ પડ્યો હતો.




