
ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૫ મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કિચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે, લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે.આ સ્થિતિનું આજે મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેશ ગીરીબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ઉતારા-અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરીયા સહિતના પ્રતિનિધિઓ , કલેકટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ નિરીક્ષણ કર્યું હતું.જિલ્લા કલેકટરશ્રીએ આજે કરેલા રૂટ નિરીક્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની લોકોની સલામતી પ્રાથમિકતા છે, ખાસ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર વરસાદના પગલે ઉપર કાદવ કિચડ સર્જાયું છે, જેથી લપસવાની સાથે ઇજા થવાની પણ સંભાવનાઓ છે. ઉપરાંત ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. સાથે જ રાહત બચાવનું કાર્ય પણ એટલું જ મુશ્કેલ ભર્યું બની જાય તેમ છે, વન્ય પ્રાણીઓનો પણ એટલો જ ખતરો રહેલો છે. તદુપરાંત સેવાભાવી સંસ્થાઓ વરસાદના પગલે અન્નક્ષેત્રો પણ શરૂ કરી શકે તેમ નથી. આમ, દર વર્ષની જેમ આ વર્ષે ગીરનાર લીલી પરિક્રમા નહીં યોજી શકાય. તેમણે કહ્યું કે, પદાધિકારીઓ સાધુ-સંતો, અન્નક્ષેત્રના સંચાલકો અધિકારીઓ સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યા બાદ સર્વ સહમતિથી ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે અને ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોને સાથે રાખી પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરવામાં આવશે.આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન તકેદારીના ભાગરૂપે એસડીઆરએફની ટીમ, હેલ્થ ટીમ, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે.મીડિયા કર્મીઓને આ માહિતી આપતી વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
 
				







