GUJARATSINORVADODARA

સાધલીના મુખ્ય બજારમાં તાડપત્રી બાંધ્યા વગર માટી ભરેલા ડમ્પરોનો આતંક .

બાઈક ચાલકો અને પરિવારો માટે વધી રહેલું જોખમ, પોલીસ કાર્યવાહી અંગે પ્રશ્નચિહ્ન ?


ફૈઝ ખત્રી…શિનોર
સિનોર તાલુકાના સાધલી ગામના મુખ્ય બજારમાંથી છેલ્લા કેટલાક સમયથી માટી ભરેલા ભારેખમ ડમ્પરો તાડપત્રી બાંધ્યા વગર પસાર થતા હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે માર્ગ પરથી પસાર થતા બાઈક ચાલકો અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ડમ્પરોમાંથી ઉડતી ધૂળ અને માટીના દળો સીધા જ વાહનચાલકોની આંખોમાં જતા હોવાને કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. ખાસ કરીને નાના બાળકો સાથે જતા પરિવારો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની રહી છે.
મુખ્ય બજાર વિસ્તાર હોવાથી અહીં હંમેશા વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે. આવા સમયમાં બેદરકારીપૂર્વક તાડપત્રી વગર માટી વહન કરવાથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સાથે જાહેર સલામતીને પણ ખતરો ઉભો થાય છે.
સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે સિનોર પોલીસ સ્ટેશન દ્વારા આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. લોકો દ્વારા પોલીસ તંત્રને નિયમિત ચેકિંગ અને દંડાત્મક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી.

Back to top button
error: Content is protected !!