
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાપી જિલ્લાની વ્યારા કોલેજમાં અભ્યાસ કરતા ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાની આગવી કળા અને સંસ્કૃતિના જોરે યુનિવર્સિટી કક્ષાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ યુનિવર્સિટી કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગી નૃત્ય રજૂ કરી આ વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી કોલેજ અને ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે.ડાંગ જિલ્લાના સરહદી એવા સુબીર તાલુકાના જામન્યામાળ અને આજુબાજુના અંતરિયાળ ગામડાઓમાંથી આવીને વ્યારા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ નૃત્ય તૈયાર કર્યું હતુ.આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ડાંગની પરંપરાગત શૈલીમાં પ્રસ્તુતિ કરી હતી. વિદ્યાર્થીઓએ કમરે ઝાડની ડાળખીઓ બાંધી અને શરીર પર સફેદ રંગ (ચૂનો/ટીલુ) લગાવીને અસલ આદિવાસી વેશ ધારણ કર્યો હતો.ડાંગી વાજિંત્રોના તાલે શિસ્તબદ્ધ અને જોમભર્યા નૃત્યએ પ્રેક્ષકો અને નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા.સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત આ સ્પર્ધામાં કઠિન સ્પર્ધા વચ્ચે ડાંગના આ યુવાનોએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવતા કોલેજ પરિવાર અને ડાંગ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.અંતરિયાળ ગામડાના આ વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે જો તક મળે તો આદિવાસી સંસ્કૃતિ અને કલાના જોરે તેઓ વૈશ્વિક સ્તરે પણ ડંકો વગાડી શકે તેમ છે..





