GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે રૂ.૨૩૦ લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત કર્યું

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આ પુલ બનવાથી સામે કાંઠે પહોંચવામાં લોકોને સરળતા રહેશે : સ્થાનિક નાગરિક શ્રી કાળુભાઈ

Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે રૂપિયા ૨૩૦ લાખના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

જસદણના પોલારપર મેઈન રોડ હૂડકો વિસ્તારમા રૂ.૨૩૦ લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે. આ પુલ બનવાથી સામા કાંઠા તેમજ આસપાસના ગામોમાં આવવા જવા માટે લોકોને સરળતા રહેશે તેમ જણાવી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર છે”. જસદણ-વિંછીયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આવનારા દિવસોમા રમતગમતનું મેદાન, કોલેજ, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, ચેકડેમ સહિતના કામો હાથ ધરાશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

આ તકે માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલે ૨૩૦ લાખના ખર્ચે બનનારા પુલની ટેકનિકલ બાબતો સહિતની માહિતી આપી હતી.

નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખે પુલ બનવાથી શહેરની શોભા વધવાની સાથે વિકાસને વેગ મળશે તેમ કહ્યું હતું.

ઉપરાંત સ્થાનિકશ્રી કાળુભાઈએ લોકોને સામા કાંઠે આવવા-જવામાં સરળતા રહેશે તેમ કહ્યુ હતુ.

અગ્રણીશ્રીઓ સોનલબેન તેમજ શ્રી અનિલભાઈએ શહેરીજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવાની સાથે સરકાર દ્વારા આ વિસ્તારમાં હાથ ધરાતા વિકાસના કામો બદલ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે અગ્રણીઓ શ્રી નિમેષભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી ગટુરભાઈ, શ્રી મનિષાબેન તેમજ મામલતદારશ્રી સહિત અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!