સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ લોકાર્પણો અને ખાતમૂહર્તના કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે.જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને કેશોદ ખાતે વિવિધ વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણનો સમારોહ યોજાઈ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત વિસાવદર ખાતે રૂ.૧.૭૪ કરોડના રેલવે સ્ટેશનથી રામજી મંદિર સુધી અને કનૈયા ચોકથી બસ સ્ટેન્ડ સુધી આર.સી.સી. રોડના કામનું ઈ લોકર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વિસાવદર તાલુકાના બરડીયા ખાતે રૂ.૧.૧૪ કરોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ કેશોદ ખાતે રૂ.૧૦.૪૪ કરોડના કન્સ્ટ્રકશન વર્ક ઓફ સ્ટ્રોમ વોટર ડ્રેઈનેજ, વૃક્ષારોપણ અને પેવીંગ વર્ક બિહાઈન્ડ પી.વી.એમ. સ્કુલ ટુ હિંદુ સ્મશાનનું કામનું ઈ ખાતમૂહર્ત પણ કરવામાં આવ્યું હતું. માંગરોળ ખાતે રૂ.૧૪.૯૯ કરોડના નલ સે જલ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ફીટ કરવાના કામનું ઈ- ખાતમૂહર્ત પણ કરવામાં આવ્યું હતું.આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે વિકાસ સપ્તાહ એ ખુબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જેના થકી અનેક લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓના લાભ મળ્યા છે. ગત તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન રૂ.૯૨.૨૭ કરોડના ખાતમૂહર્તના ૫૨૨ કામો અને રૂ.૫૧.૬૧ કરોડના લોકાર્પણોના ૭૦૪ કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા હતા. કેશોદ તાલુકામાં છેલ્લા દાયકામાં અનેક મહત્વપૂર્ણ વિકાસના પ્રોજેક્ટસ ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાનામાં નાના માણસના કલ્યાણ માટે સરકારશ્રીએ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આ વર્ષે નાગરિક પ્રથમ અભિગમ અને લોકાભિમુખ સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસંગિક ઉદબોધન જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આપ્યું હતું. ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે પણ આ તકે પ્રાસંગીક ઉદબોધન આપ્યું હતું. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું. જેમાં ઉપસ્થિત સર્વે વર્ચ્યુઅલ માધ્યમોથી જોડાયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.જે.જાડેજાએ કરી હતી.ઉક્ત કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, કેશોદ પ્રાંત અધિકારી વંદના મીણા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરા સોમપુરા, જિલ્લા આયોજન અધિકારી શ્રી ગંભીર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ