DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા રક્ષાબંધન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બહેનો માટે ઈકો-ફ્રેન્ડલી રાખડી બનાવટની તાલીમ યોજાઈ

દેડિયાપાડા રક્ષાબંધન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બહેનો માટે ઈકો-ફ્રેન્ડલી રાખડી બનાવટની તાલીમ યોજાઈ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/07/2025 – રક્ષાબંધન પર્વને હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે, બજારમાં તહેવારની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. રાખડીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્થાનિક બહેનો માટે ઈકો-ફ્રેન્ડલી રાખડી બનાવવાની વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું.

 

નવસારી કૃષિ યુનિવર્સિટિ હેઠળના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા દ્વારા તા. 15થી 21 જુલાઈ 2025 દરમિયાન સાત દિવસીય સાગબારા અને દેડિયાપાડા તાલુકાની બહેનોને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું ઉદ્ઘાટન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. એચ. યુ. વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગૃહ વિજ્ઞાન વૈજ્ઞાનિક ડો. એમ.વી. તિવારીએ બહેનોને રાખડી બનાવટની તકનીકો ઉપરાંત પેકિંગ, લેબલિંગ અને બ્રાન્ડિંગના વ્યાવસાયિક પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

તાલીમ દરમિયાન બહેનોને ઉનના દોરા, રંગીન પેપર, વેસ્ટ પાંદડા અને દોરી જેવા સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ ડિઝાઇનની ઈકો-ફ્રેન્ડલી રાખડી બનાવવાનો વ્યવહારિક અભ્યાસ શીખવવામાં આવ્યો હતો. સાથે જ આકર્ષક પેકિંગ અને માર્કેટિંગની ટિપ્સ પણ આપવામાં આવી હતી. જેથી બહેનો નાના સ્તરે પણ પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે.

 

આ તાલીમમાં સાગબારા અને દેડીયાપાડા તાલુકાના આસપાસના ગામોની કુલ ૨૦ બહેનોએ લાભ લીધો હતો. સમાપન પ્રસંગે બહેનો નવી શીખેલી કળાને આત્મનિર્ભરતા તરફનું એક ડગલું ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ તાલીમ દ્વારા રક્ષાબંધન પર્વને આત્મનિર્ભરતાથી જોડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!