ભરૂચમાં રેલ્વે ટ્રેક નજીક જુગારધામ પર દરોડો:બે જુગારીઓ ઝડપાયા, ત્રણ ફરાર; 13 હજારનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે થામથી મનુબર ગામ જવાના રોડ પર રેલ્વે ટ્રેક નજીક જુગાર રમતા લોકો પર દરોડો પાડ્યો હતો. પોલીસે બે જુગારીઓને પકડી પાડ્યા છે. સ્થળ પરથી રોકડ રકમ અને જુગારના સાધનો મળી કુલ રૂ. ૧૩,૦૧૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત એલસીબી ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં લીમડીચોક, ગામડીયાવાડના એઝાઝ મુસ્તાક વલીભાઈ પટેલ (૩૭) અને નીલેષ બાબુભાઈ મકવાણા (૬૫)નો સમાવેશ થાય છે. જ્યારે મુંડાફળીયા સૈયદવાડના મોહમ્મદલુકમાન મો.સિધિક અઠાવાલા, મહમ્મદપુરાના સોયબ અને મદીના હોટલના અકરમ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.