Rajkot: શ્રી ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ અન્વયે સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાયું : ‘હર હર મહાદેવ’ના જય-જયકાર અને ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
Rajkot: ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ દેશ-રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી અર્થે ઘેલા સોમનાથ થી સોમનાથ સુધીની ૨૨૯ કિ.મી લાંબી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું આયોજન કર્યું છે. જેના પ્રસ્થાન પ્રસંગે મંત્રીશ્રીએ ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને સોમનાથ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામમાં આવેલાં પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઘેલા સોમનાથ મહાદેવજીનું વિધિવિધાન પ્રમાણે પૂજન કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ યાત્રાનું આયોજન કર્યું છે.આ પદયાત્રામાં મંત્રીશ્રી વિવિધ ગામોના નાગરિકો તથા છેવાડાના લોકો સાથે રૂબરૂ સંવાદ સાધશે અને સરકાર તેમની સાથે હોવાની પ્રતીતિ કરાવશે.
આ પ્રસંગે ઘેલા સોમનાથ મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાયું હતું. ત્યારે ‘હર હર મહાદેવ’ના જય-જયકાર અને ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીની આગેવાનીમાં યાત્રિકોએ માધવીપુર ગામે જવા વાજતેગાજતે પ્રસ્થાન કર્યું હતું.
આ યાત્રાનો ઉદેશ્ય સ્પષ્ટ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, યાત્રાનો હેતુ સામાજીક અને આધ્યાત્મિક વધુ છે, લોકોનું કલ્યાણ થાય, રાજય-દેશનો સાર્વત્રિક વિકાસ થાય, કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, નાગરિકોની સુખાકારી વધે તેમજ સાંપ્રદાયિક સમભાવમાં વૃધ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવા આ ‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા’ યોજાઈ રહી છે. યાત્રાનાં માર્ગમાં આવતા વિવિધ ધર્મસ્થાનકોએ પ્રાર્થના કરવામાં આવશે. લોકોનું સર્વ પ્રકારે મંગલ થાય તેવા ઉદેશ્યથી આ યાત્રાનું આયોજન કરાયું છે.
આ વેળાએ મંદિર ખાતે બાળાઓ અને યાત્રા માર્ગમાં આવતાં ઘરો પાસે મહિલાઓએ મંત્રીશ્રીનું પરંપરાગત સામૈયું કર્યું હતું. યાત્રિકોની આગળ ચાલતાં રથમાં ધાર્મિક ગીતોના સથવારે લોકો હાથમાં ધ્વજા લઈને પગપાળા ફર્યા હતાં. આ તકે વિંછીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થભાઈ પરમાર, અગ્રણીઓ શ્રી ભાવેશ વેકરીયા, શ્રી રેખાબેન સગારકા સહિત બહોળા પ્રમાણમાં સ્થાનિકો જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ પદયાત્રા માધવીપુર બાદ ગોડલાધારથી ગઢડીયા (જસ), જસદણ, આટકોટ ખારચીયા (જામ) થઈને મોટા દડવા ગામમાં યાત્રિકો રાત્રિ રોકાણ કરશે. તેમજ વેરાવળમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તા. ૨૭ ડિસેમ્બરે આ પદયાત્રાનું સમાપન થશે. જેમાં ધર્મસ્થાનકોએ દેવદર્શન અને સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરાશે.
આશરે ૨૨૯ કિ.મી. લાંબી આ પદયાત્રાના માર્ગમાં લોક સંવાદ-સાંસ્કૃતિક કાર્યક્રમો-દેશભકિતનાં ગીતો-લોકડાયરાઓનું આયોજન પણ કરવામાં આવશે.







