
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ભુસ્તર વિભાગે ઝઘડિયા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ઓવરલોડ તથા રોયલ્ટી વિના રેતી, કોલસો અને કપચીનું વહન કરતી 8 ટ્રકો ઝડપી પાડી 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં શનિવારના રોજ ભુસ્તરશાસ્ત્રી રચના ઓઝાના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકામાં ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ખનિજ વહન કરતા 8 વાહનોમાં કથિત ગેરરીતિ જોવા મળતા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ મોટાપાયે રેત ખનન થઇ રહ્યું છે. રાજપારડીથી નેત્રંગ રોડ પર અસંખ્ય પત્થરની ક્વોરીઓ અને પત્થરની લીઝો આવેલી છે. આ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોઇ લાંબા સમયથી લીઝ સંચાલકો દ્વારા મોટાપાયે પત્થરોનું ખોદકામ થાય છે. ભુસ્તર વિભાગની ટીમે રેતી, કપચી અને કાર્બોસીલ કોલસાનું વહન કરતી 8 ટ્રકોમાં રોયલ્ટી નહિ હોવી તથા ઓવરલોડ હોવાના નિયમોનો ભંગ થતો જણાયો હોવાથી કબજે કરવામાં આવી હતી. કુલ 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. બીજી તરફ ઝઘડિયાના ઇન્ચાર્જ મામલતદાર બાબુ વસાવાએ પણ ઉમલ્લા નજીકથી રોયલ્ટી વિનાની ટ્રક ઝડપી હતી.



