Rajkot: રાજકોટ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો પ્રારંભ કરાવતા કલેકટરશ્રી

તા.૧૧/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૧ લાખ ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો પણ લાભ મળશે – કલેકટર શ્રી પ્રભવ જોશી
મિલેટસ – શીંગદાણાની સુખડી – ચણા – ચાટ – મીકસ કઠોળ ચાટ સહિતનો નાસ્તો આપવામાં આવશે
Rajkot: સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજથી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેકટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં ૮૭૫ કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે. જેનો આશરે ૧ લાખ ૩૦ હજાર બાળકોને લાભ મળશે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને સ્વાદિષ્ટ ભોજન બપોરે આપવામાં આવે છે, ત્યારે બાળકોને રોજ જુદો જુદો પૌષ્ટિક નાસ્તો પણ મળી રહેશે. જેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે, તેમ કલેકટર શ્રી એ વધુમાં જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ આ તકે સંસ્થાપક, મદદનીશ તેમજ રસોયા બેનને બાળકોને વ્યવસ્થિત નાસ્તો મળી રહે તે માટે સૂચના આપી તેમની કામગીરીને બિરદાવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણીએ જણાવ્યું હતું કે, સવારની પાળીના બાળકોને સવારે પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર-બ્રેકફાસ્ટ તેમજ બપોરની પાળીના બાળકોને મધ્યાહન ભોજન બાદ રિસેસમાં આ નાસ્તો પીરસવામાં આવશે. જેમાં સોમ, બુધ અને શનિવારે સુખડી- ખાંડેલા શીંગદાણા સહીત મિલેટમાંથી બનાવેલ નાસ્તો તેમજ મંગળ, ગુરુ અને શુક્રવારે ચણા -ચાટ, મિક્ષ કઠોળ ચાટ સહિતનો નાસ્તો આપવામાં આવશે.
આ તકે આસીટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, મામલતદાર શ્રી મકવાણા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રીનાબેન કાલાણી, શાળાના આચાર્ય શ્રી દ્વારકાદાસ હરીયાણી, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







