
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ : જીતપુર (ખા) ગામે વૃદ્ધ મહિલાનું હાર્ટ એટેકથી મોત, જિલ્લામાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેક થી અવસાન
મેઘરજ તાલુકાના જીતપુર (ખા) ગામે 85 વર્ષીય વૃદ્ધ મહિલાનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મહત્વનું છે કે જિલ્લામાં માત્ર એક જ દિવસમાં હાર્ટ એટેકથી બે લોકોના મોતની ઘટના સામે આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ જીતપુર (ખા) ગામના રહેવાસી ત્રિવેદી સૂર્યાબેન શિવશંકર (ઉ.વ. 85) ને ગત રાત્રિના સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક નજીકના ઇસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. વૃદ્ધાના અવસાનથી પરિવારજનોમાં ભારે શોક છવાયો છે.
ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુ દરમિયાન હાર્ટ એટેકના બનાવોમાં વધારો નોંધાતો હોય છે. ઠંડા હવામાનમાં શરીરની ગરમી જાળવી રાખવા માટે રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને હૃદય પર વધુ ભાર પડે છે. આ સ્થિતિમાં હૃદયના ધબકારા ઝડપી થઈ જતા હાર્ટ એટેકનો જોખમ વધી જાય છે.આ ઘટનાને પગલે તબીબો દ્વારા શિયાળામાં ખાસ કરીને વૃદ્ધો તથા હૃદયરોગથી પીડિત લોકોને સાવચેત રહેવા, નિયમિત દવાઓ લેવાની અને કોઈપણ અસામાન્ય લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.




