વાવ-થરાદ જિલ્લામાં ચૂંટણી આચારસંહિતા અમલી: પ્રચારના વાહનો અને લાઉડ સ્પીકર માટે પરવાનગી લેવી ફરજિયાત

5 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું: પરમિટ વિના પ્રચાર કરતા વાહનો જપ્ત થશે, આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહીની ચેતવણી વાવ-થરાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વાહન નોંધણી અને માઈકના ઉપયોગ અંગે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ ૮ તાલુકા પંચાયતો અને ભાભર તથા થરાદ નગરપાલિકાઓની ચૂંટણી માટે તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજાશે. આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી વાવ-થરાદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એસ. પ્રજાપતિ (IAS) દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩’ ની કલમ-૧૬૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે તેમના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પૂર્વે સક્ષમ ચૂંટણી અધિકારી પાસે વાહનની નોંધણી કરાવી લેખિત પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે. પરવાનગી મળ્યા બાદ વાહનની વિન્ડ સ્ક્રીન (કાચ) પર પરમિટ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવાની રહેશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રચાર માટે માત્ર અધિકૃત બે-ચક્રીય, ત્રણ-ચક્રીય કે ચાર-ચક્રીય વાહનોનો જ ઉપયોગ કરી શકાશે. વાહનોના કાફલાના કિસ્સામાં નિયત સંખ્યાનું પાલન કરવાનું રહેશે અને બે કાફલા વચ્ચે ચોક્કસ અંતર રાખવું અનિવાર્ય છે. આ સિવાય, વાહન પર લાઉડ સ્પીકર કે માઈક દ્વારા પ્રચાર કરવા માટે પણ સંબંધિત સત્તાધિકારીની આગોતરી મંજૂરી લેવી પડશે. મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ આચારસંહિતાનો ભંગ ગણાશે.આ જાહેરનામું સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં તા. ૦૩/૦૪/૨૦૨૬ થી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ, પક્ષ કે ઉમેદવાર આ સૂચનાઓનું ઉલ્લંઘન કરશે, તો તેમની વિરુદ્ધ ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩’ ની કલમ-૨૨૩ મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ હુકમના અમલીકરણ અને ભંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.



