વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,કડી
જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.તેમજ ઉમેદવારે રૂ.૪૦ લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે અને દરેક ઉમેદવારે ફક્ત ચૂંટણી ખર્ચ માટે બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું રહેશે તેમ ઉમેર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને જણાવ્યું હતું કે ચૂંટણી ખર્ચનું દેખરેખ અને નિયંત્રણ સરળ રીતે થાય તે માટે દરેક ઉમેદવારે ફક્ત ચૂંટણી ખર્ચ માટે બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું રહેશે. ઉમેદવારે ફક્ત આ જ ખાતામાંથી તમામ ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે. ઉમેદવારી પત્રક ભર્યાની તારીખથી નિયમિત રીતે રોજબરોજના હિસાબો કેસબુક અને બેંકબુક નિભાવવાની રહેશે અને ઉમેદવારી પત્રક ભરવાના દિવસે થયેલા તમામ ખર્ચનો તેમાં સમાવેશ કરવાનો રહેશે. ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચ વિશેની માહિતી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઉમેદવારે રૂ.૪૦ લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી ખર્ચની તપાસ પણ કુલ ત્રણ તબક્કામાં કરવામાં આવશે
ઇન્ચાર્જ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને એમ.સી.સી નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં. ચુંટણી પ્રચારના મંચ તરીકે ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી શકાશે નહી. મતદાન મથકની આજુબાજુમાં ૧૦૦ મીટરના પરીધમા ચુંટણી પ્રચાર કરી શકાશે નહી અને મતદાન પુરુ થવાના નિર્ધારીત સમયે પુરા થતા ૪૮ કલાક દરમ્યાન ચુંટણી સભા યોજી શકાશે નહી તેમજ મતદારોને મતદાન મથકે લાવવા લઇ જવા માટે વાહન સુવિધા પુરી પાડી શકાશે નહી.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થવાની તારીખથી લઈ ઉમેદવારીપત્રોની ભરવાથી લઈને ચકાસણી સુધીની વિગતો આપી મતદારોની સંખ્યા, મતદાન મથકોની સંખ્યા, કાયદો અને વ્યવસ્થા, ઈવીએમ, હેલ્પલાઈનની વિગતો આપીને આદર્શ આચારસંહિતાના પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સભા, સરઘસ, બેનરો, હોર્ડીંગ્સ, રેલીઓની પરવાનગી સિંગલ વિન્ડો મારફત કડી મામલતદારશ્રી પાસેથી મેળવવાની રહેશે. વધુમાં તેમણે ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ ચીજવસ્તુઓના નક્કી કરવામાં આવેલા ભાવો વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
ચૂંટણી સમયગાળા દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરિક્ષણ, ઉમેદવારી પત્રો અને ચૂંટણી પ્રચાર સહિતની બાબતો તથા વિવિધ પરવાનગીઓ અંગે બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતીગાર કર્યા હતા.
ક્રિમીનલ એન્ટીસિડનટ્સ દ્વારા જાહેર કરવાની માહિતી અંગેના વિવિધ ફોર્મેટ બાબતે, મતદાર યાદી, મતદાન મથકો અને પોલીંગ સ્ટાફ, EVM, હોમ વોટીંગ અને પોસ્ટલ બેલેટ અંગે વિગતવાર જાણકારી આપી હતી વિવિધ માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે રાજકીય જાહેરાતોના પૂર્વ-પ્રમાણિકરણ અને પેઈડ ન્યૂઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉમેદવારીપત્ર ભરતા પહેલા ઉમેદવારે અલગથી બેંક એકાઉન્ટ ખોલવવું પડશે. રૂા.૧૦ હજારથી વધુની રકમ ચેકથી ભરવી જેવી વિગતો તેમણે આપી હતી. આ ઉપરાંત ખર્ચના ભાવો નક્કી કરવા અંગે રાજકીય પક્ષોની કોઈ રજૂઆત હોય તો તેને ધ્યાને લઈ દરોમાં ફેરફારો કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી પરામર્શ કરવામાં આવેલ ભાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓ, સંબંધિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.