ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – નવાગામ(ઇ)માં અગિયારસનો ત્રિ-દિવસીય લોકમેળો યોજાશે –  150 પોલીસ કર્મચારીઓ 2 પી આઈ અને 5 પી એસ આઈ સાથે બંદોબસ્ત ગોઠવાશે,બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા પીધેલા લોકોની ખાસ ચકાસણી કરવામાં આવશે 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – નવાગામ(ઇ)માં અગિયારસનો ત્રિ-દિવસીય લોકમેળો યોજાશે –  150 પોલીસ કર્મચારીઓ 2 પી આઈ અને 5 પી એસ આઈ સાથે બંદોબસ્ત ગોઠવાશે,બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા પીધેલા લોકોની ખાસ ચકાસણી કરવામાં આવશે

અરવલ્લી જિલ્લામાં લોકજીવન અને સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત મેળાઓ આજે પણ ગ્રામ્ય સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ (ઇ) ગામે કંટાળુ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ અગિયારસ, બારસ અને તેરસ નિમિત્તે ત્રિ-દિવસીય આમળી અગિયારસનો લોકમેળો યોજાનાર છે.

આ મેળો તા. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી તથા ૧ માર્ચ દરમિયાન યોજાશે. આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા આ મેળામાં રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયાઓ ઉમટે છે. લગ્ન બાદ નવદંપતિઓ કંટાળુ હનુમાનજી મંદિરે ૧૧ ફેરાની પ્રદક્ષિણા કરી પોતાની માનતા અને બાધા-આખડી પૂર્ણ કરવાની પરંપરા પણ અહીં જોવા મળે છે.મેળામાં માટીના વાસણો, પરંપરાગત ઢોલ-બાણ, લોકહસ્તકલા સામાન તથા ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતા સ્ટોલો ખાસ આકર્ષણ રહેશે. લોકગીતો અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિનો રંગ જામશે. નાનાં બાળકો થી લઈને વયોવૃદ્ધો સુધી સૌ કોઈ મેળાનો આનંદ માણવા આતુર રહે છે.

મેળાની વ્યવસ્થા નવાગામ યુવક મંડળ અને નવાગામ (ઇ) ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે સ્વયંસેવકો તૈનાત રહેશે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઈસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 50 પોલીસ કર્મચારી, 50 GRD જવાનો, 50 હોમગાર્ડ, 2 પી.આઈ. અને 5 પી.એસ.આઈ. તૈનાત રહેશે. બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચકાસણી કરવામાં આવશે અને નશાની હાલતમાં ઝડપાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ત્રણ દિવસીય આ લોકમેળો પ્રાદેશિક સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું જીવંત પ્રતિબિંબ બનશે.

Back to top button
error: Content is protected !!