ગોધરાના શિક્ષકોએ શિક્ષણને વધુ સરળ અને અસરકારક બનાવવા લાઠી ખાતે ‘કલાપી તીર્થ’ની મુલાકાત લીધી
રાજવી કવિ કલાપીના જીવન અને કવનને બાળકો સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે શિક્ષકોએ એક પ્રેરણાદાયક પહેલ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાની રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રકુમાર ડી. પરમાર અને પઢિયાર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેન્દ્રકુમાર એમ. પરમારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં લાઠી ખાતે આવેલા રાજવી કવિ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)ના જન્મ સ્થળ અને તેમના જીવન-કવનને ઉજાગર કરતા ‘કલાપી તીર્થ’ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કલાપીના કાવ્યો અને તેમના જીવન સંબંધી ખૂટતી કડીઓ એકત્રિત કરીને શિક્ષણને વધુ આધુનિક અને અસરકારક બનાવવાનો અને બાળકોને સરળતાથી સમજાય તે રીતે માહિતી પૂરી પાડવાનો હતો.
આ પ્રયોગ અંતર્ગત, શિક્ષકોએ બાળકોમાં વધુ જિજ્ઞાસા જગાડવા માટે જે તે સ્થળનો અને વ્યક્તિ વિશેષનો ઓડિયો વિડિઓ બનાવી સુંદર માહિતી તૈયાર કરી હતી. ગુજરાતી સાહિત્યમાં ‘રાજવી કવિ’ તરીકે પ્રસિદ્ધ કલાપીના જન્મ સ્થળની મુલાકાત દરમિયાન તે ખંડેર હાલતમાં જણાયું હતું. જોકે, કલાપી તીર્થમાંથી તેમના જીવન અને કવન વિશે કેટલીક આધારભૂત માહિતી મેળવવામાં આવી હતી.
આ પ્રયાસમાં અમરેલી જિલ્લાના બગસરાના ગુજરાતી કવિ શ્રી સ્નેહી પરમાર અને લાઠીના વતની તથા ગુજરાતી વાર્તાકાર શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલનો સહયોગ અને મુલાકાત લેવામાં આવી હતી, તેમણે લાઠીના અનેક પુરાવા અને માહિતી પૂરી પાડી, જેનાથી શિક્ષણના એકમને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. આ મુલાકાત રિસર્ચર શ્રી મહેન્દ્ર પરમારની સંશોધન પ્રક્રિયાને પણ અનુમોદન આપે છે, જેમાં બાળકોને શિક્ષણ કાર્ય દરમિયાન જે તે એકમના કવિ-લેખકની વિડિયો દ્વારા મુલાકાત કરાવી ત્યાર બાદ શિક્ષણ આપવાનો પ્રયોગ સામેલ છે.
આ પહેલ દર્શાવે છે કે કેવી રીતે શિક્ષકો પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી આગળ વધીને નવીન પ્રયોગો દ્વારા બાળકોને વધુ સારી રીતે જ્ઞાન આપી શકે છે. કલાપી જેવા મહાન સાહિત્યકારના જીવન અને કાર્યને સીધા તેમના જન્મ સ્થળ અને સ્મૃતિ સ્થળ પરથી જાણીને બાળકો સુધી પહોંચાડવાનો આ સુંદર પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે અને તે શિક્ષણને વધુ જીવંત બનાવવામાં મદદ કરશે.