વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ પિપલાઈદેવી ગામે મહિલાઓની સુરક્ષા અને કામના સ્થળે યૌન ઉત્પીડન પ્રતિબંધ (POSH) કાયદા અંગે એક મહત્ત્વપૂર્ણ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ તાલીમનું આયોજન એક્શન એડ સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ, અધિકારીઓ, અને ખાસ કરીને આંતરિક ફરિયાદ સમિતિ (Internal Complaints Committee – ICC)ના સભ્યોને POSH કાયદા હેઠળની જાગૃતિ, કાનૂની પ્રક્રિયા, અને ફરજિયાત પગલાં વિશે વિગતવાર માહિતી આપવાનો હતો.આ કાર્યક્રમની શરૂઆત અમૂલ પવારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કામના સ્થળે મહિલાઓની સુરક્ષા દરેક સંસ્થાની પ્રથમ જવાબદારી છે. POSH કાયદાનો યોગ્ય અમલ થવાથી મહિલાઓ વિશ્વાસપૂર્વક અને નિરભયતાથી કામ કરી શકે છે.”તાલીમ દરમિયાન, નિષ્ણાત કાનૂની સહાય કેન્દ્રમાંથી આવેલા એડવોકેટ મિતેશભાઈ અને રમેશભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે POSH કાયદાની મુખ્ય જોગવાઇઓ, ફરિયાદ પ્રક્રિયા, તપાસની વિધિ, અને આંતરિક સમિતિની મહત્ત્વની ભૂમિકા અંગે વિગતવાર સમજણ પૂરી પાડી હતી.આ તાલીમમાં કુલ 30 HRD અને સીવણ કામ કરતી યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લેનારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ચર્ચા દ્વારા અનેક મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ થયા હતા. અંતમાં, એક્શન એડ સંસ્થા વતી તાલીમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..