
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વલસાડ જિલ્લા આચાર્ય સંઘના વર્ષ ૨૦૨૫–૨૬ના શૈક્ષણિક તથા વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ અધિવેશન વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલની અધ્યક્ષતામાં યોજાયુ હતું, જેમાં જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીએ ઉપસ્થિત આચાર્યોને આશીર્વચન પાઠવ્યા હતા. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે ‘શિક્ષક’ શબ્દની સાચી પરિભાષા રજૂ કરતાં જણાવ્યું હતું કે શિક્ષક માત્ર વિષય ભણાવનાર નહીં પરંતુ શિસ્ત, ક્ષમા, કર્મ અને સંસ્કારનો જીવંત પર્યાય છે. શિક્ષકના વિચાર, વર્તન અને સંસ્કાર ભાવિ પેઢીના ઘડતર માટે આધારશિલા સમાન છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ.પૂજ્ય હેતલ દીદીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજ ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્વની છે. વિદ્યાર્થીઓમાં ઉચ્ચત્તમ સંસ્કારોનું સિંચન કરવું ગુરૂજનોની વિશેષ જવાબદારી છે અને સંસ્કારસભર શિક્ષણથી જ સશક્ત અને સુંવાળી સમાજ રચના શક્ય બને છે. તેમણે આચાર્યોને શિક્ષણ સાથે સાથે મૂલ્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા પણ આપી હતી.આ અધિવેશન દરમિયાન વક્તા તરીકે ડૉ. જય વશીએ શૈક્ષણિક ક્ષેત્રમાં આવતી નવી પડકારો, વહીવટી કાર્યક્ષમતા અને નેતૃત્વ કૌશલ્ય અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતુ.સમગ્ર કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ઉત્કર્ષ અને સંસ્કાર આધારિત શિક્ષણને કેન્દ્રમાં રાખી સકારાત્મક ચર્ચાઓ થતી રહી, જેમાં ઉપસ્થિત આચાર્યોમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો..





