મોરવા હડફના સંતરોડ સાલીયા બજારમાં ગંદકીનું સામ્રાજ્ય….
પંચમહાલ ગોધરા:
નિલેશભાઈ દરજી શહેરા
મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા મુખ્ય બજારમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે. બજાર વિસ્તારમાં સફાઈ ન થવાથી દૂર સુધી દુર્ગંધ ફેલાઈ રહી છે અને નાગરિકો તથા વેપારીઓનું જીવન દુષ્કર બન્યું છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યુ́ કે આ સ્થિતિને લઈ તંત્ર પાસે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઇ નોંધપાત્ર પગલાં લેવાતા નથી.
વધુમાં, ચોમાસામાં પાણી ભરાવા સાથે જ મચ્છરો અને જીવજંતુઓનું પ્રમાણ વધી ગયું છે, જેને લીધે રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. વેપારીઓએ આ સ્થિતિને ગંભીર ગણાવતાં જણાવ્યું કે રોજગારી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી બજારમાં બેસવું પડે છે.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ ગ્રામ પંચાયતને તાત્કાલિક કાર્યવાહી કરવા અને બજાર વિસ્તારની સત્તરતાથી સફાઈ કરાવવાની માંગ ઊઠાવી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો શીઘ્ર યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ વિરોધના માર્ગે ઉતરશે.