ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ડીજીવીસીએલની ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


વલસાડ: તા: ૦૬ એપ્રિલ–નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ખાતે રૂ.૨.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળાસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરવામાં આવ્યું. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની બે નવીન ઓફિસનું નિર્માણ ૮૦૭ ચો.મી. બિલ્ડઅપ એરિયા સાથે કરવામાં આવ્યું છે. આ કચેરીઓના નિર્માણથી ઉમરગામ તાલુકાના વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ ધરાવતી કચેરી અને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે.
પેટા વિભાગીય કચેરીઓના લોકાર્પણની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, વીજ કંપનીના કઓર્મચારીઓ સાથે દરેકે સાથે મળીને કાર્ય કરતા રહેવું. ડીજીવીસીએલ આજે નંબર વન છે તે બદલ અભિનંદન તેમજ આ ક્રમ જાળવી રાખવા સતત મહેનત કરતા રહેવું. ગુજરાત લગભગ ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો ધરાવે છે તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા તેમજ કુદરતી આફત દરમિયાન વીજળી ન જાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલમાં અસોશિયેશનના વિસ્તારમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરીની મંજૂરી મળી છે જેનું વહેલી તકે કાર્ય શરૂ થશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ૧૦ વર્ષ સુધી પણ ખેતીવાડીના કનેક્શન મળતા ન હતા આજે જણાવતા આનંદ થાય છે કે માત્ર ૩ થી ૪ મહિનામાં જ ખેડૂતોને કનેક્શન મળી જાય છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશમાં પરિવર્તનનો પવન આવ્યો છે. પ્રધાનમંત્રી બન્યા ત્યારે ૧૮૦૦૦ જેટલા ગામોમાં વીજળી પહોંચી ન હતી ત્યાં વીજળી આપવાનું કાર્ય તેમણે કર્યું છે. કેન્દ્ર સરકારે વીજ સુવિધાઓ વધારવા ગુજરાતને રૂ. ૩ લાખ કરોડની ફાળવણી કરી છે તેમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને રૂ. ૩ હજાર કરોડની ફાળવણી થઈ છે.
ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને ડીજીવીસીએલના એમ.ડી. યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. કાર્યક્રમમાં ડીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


