પાકને નુકસાની:જુલાઈ,ઓગસ્ટ – સપ્ટેમ્બર માસમાં થયેલા પાક નુકસાની માટે 15 દિ’માં 94.52 કરોડ ચૂકવ્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આ વર્ષે પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના મહામૂલી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. તેમજ પાણી ખેતરોમાં ફરી વળતાં પાક પણ ધોવાયો હતો. ત્યારે ખેતી પાકમાં થયેલ નુકશાની નો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિના કારણે અંદાજે 39 હજાર હેક્ટરમાં તેમજ ઓગસ્ટ મહિનામાં 37 હજાર હેક્ટર વિસ્તારમાં અંદાજે નુકસાન પહોંચ્યું હતું. જેથી ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. જુલાઈ મહિનામાં સાત તાલુકાના ખેડૂતોને નુકસાની સહાય માટે 48,137 અરજી કરી હતી. જેમાથી 47,844 અરજી મંજૂર કરવામાં આવી હતી. અને બાકી રહેલ 477 અરજી હાલ પ્રક્રિયામાં છે. ત્યાર બાદ 47,374 ખેડૂતોને રૂપિયા 79.05 કરોડ સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલ નુકશાની માટે 12,836 ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી. જેમાં 11,499 ને મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી 10,448 ખેડૂતોને રૂપિયા 15.47 કરોડ ચૂકવવામાં આવ્યા છે. અને બાકી રહેલી 2,388 અરજી પ્રક્રિયામાં છે. તેથી તેમને પણ જલ્દી સહાયની રકમ ચૂકવવામાં આવશે. ખેતીવાડી વિભાગ થકી 25 ઓકટોબરથી સહાયની ચુકવણી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. આમ અંદાજે 15 દિવસમાં કુલ રૂપિયા 94.52 કરોડની સહાય ચૂકવવામાં આવી.




